ભારતે એક ઇનિંગ્સ અને ટેસ્ટમાં સૌથી વધુ બૅટર્સનો બોલ્ડ કરવાનો પોતાનો રેકૉર્ડ સુધાર્યો, ૧૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ પૂર્ણ કરી વૉશિંગ્ટન સુંદરે, ટેસ્ટ-કરીઅરનું બીજું બેસ્ટ પ્રદર્શન કર્યું
સ્પિનર વૉશિંગ્ટન સુંદરે માત્ર ૧.૮૦ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને જો રૂટ, બેન સ્ટોક્સ અને જેમી સ્મિથ જેવા મોટા પ્લેયર્સની વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડ બીજી ઇનિંગ્સમાં માત્ર ૧૯૨ રને ધરાશાયી થયું, ચોથા દિવસના અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે ૫૮ રન
લૉર્ડ્સ ટેસ્ટ-મૅચના ચોથા દિવસે જ ભારતીય ટીમે બાઝબૉલની હવા કાઢીને રિઝલ્ટ ઑલમોસ્ટ પોતાના પક્ષમાં કરી લીધું છે. ચોથા દિવસે સ્પિનર વૉશિંગ્ટન સુંદરના ઐતિહાસિક પ્રદર્શનને કારણે ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગ્સમાં ૬૨.૧ ઓવરમાં ૧૯૨ રનના સ્કોર પર તમામ વિકેટ ગુમાવી હતી. ૧૯૩ રનના ટાર્ગેટ સામે ચોથા દિવસના અંતે ભારતે ૧૭.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૫૮ રન બનાવ્યા હતા. આજે પાંચમા દિવસે ઇંગ્લૅન્ડને જીત માટે ૬ વિકેટ અને ભારતને ૧૩૫ રનની જરૂર છે.
ADVERTISEMENT
ભારતે એક ઇનિંગ્સમાં સૌથી વધુ સાત અને ટેસ્ટમાં ૧૨ બૅટર્સને બોલ્ડ કરવાનો પોતાનો રેકૉર્ડ આ ટેસ્ટ-મૅચમાં કર્યો છે. આ પહેલાં ભારતે ઇંગ્લૅન્ડ સામે જ હૈદરાબાદમાં એક મૅચમાં ૧૦ બૅટર્સનો બોલ્ડ કરવાનો રેકૉર્ડ કર્યો હતો. ભારતે આ પહેલાં આઠ વાર એક ઇનિંગ્સમાં ૬ બૅટર્સને બોલ્ડ કર્યા હતા.
ચોથા દિવસે ઇંગ્લૅન્ડે બીજી ઓવરમાં એક પણ વિકેટના નુકસાન વગર બે રનના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. ઇંગ્લૅન્ડે ૨૧.૩ ઓવરમાં ૮૭ રનના સ્કોર પર ચાર ટૉપ ઑર્ડર બૅટર્સની વિકેટ ગુમાવી ત્યારે અનુભવી બૅટર જો રૂટે એક મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને સ્થિરતા આપી હતી. ઝૅક ક્રૉલી (૪૯ બૉલમાં બાવીસ રન), બેન ડકેટ (૧૨ બૉલમાં ૧૨ રન), ઑલી પોપ (૧૭ બૉલમાં ૪ રન) અને હૅરી બ્રુક (૧૯ બૉલમાં ૨૩ રન) મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.
માત્ર એક ચોગ્ગાની મદદથી ૯૬ બૉલમાં ૪૦ રનની ઇનિંગ્સ રમનાર જો રૂટે પાંચમી વિકેટ માટે કૅપ્ટન બેન સ્ટોક્સ (૯૬ બૉલમાં ૩૩ રન) સાથે ૧૨૮ બૉલમાં ૬૭ રનની ભાગીદારી કરી હતી. ભારતીય બૉલર્સની શાનદાર બોલિંગને કારણે ઇંગ્લૅન્ડે છેલ્લી ૬ વિકેટ ૩૮ રનની અંદર ગુમાવી હતી. ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં સ્પિનર વૉશિંગ્ટન સુંદર (બાવીસ રનમાં ચાર વિકેટ)ની સાથે ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ (૩૮ રનમાં બે વિકેટ) અને મોહમ્મદ સિરાજ (૩૧ રનમાં બે વિકેટ)એ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાસ્ટ બોલર આકાશ દીપ અને નીતીશ કુમાર રેડ્ડીને પણ એક-એક સફળતા મળી હતી.
ચોથા દિવસના અંતે ભારતે ૧૭.૪ ઓવરમાં ૫૮ રન કરીને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર યશસ્વી જાયસવાલ (સાત બૉલમાં ઝીરો), કરુણ નાયર (૩૩ બૉલમાં ૧૪ રન) અને કૅપ્ટન શુભમન ગિલ (નવ બૉલમાં ૬ રન) બાદ આકાશ દીપે (અગિયાર બૉલમાં એક રન) દિવસના અંતિમ બૉલ પર વિકેટ ગુમાવી હતી. ઓપનર કે.એલ. રાહુલ (૪૭ બૉલમાં ૩૩ રન) હજી મૅચમાં અણનમ છે. ઇંગ્લૅન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સ (અગિયાર રનમાં બે વિકેટ), કૅપ્ટન બેન સ્ટોક્સ (૧૫ રનમાં એક વિકેટ) અને જોફ્રા આર્ચર (૧૮ રનમાં એક વિકેટ)ને સફળતા મળી હતી.
લૉર્ડ્સમાં ચાર ટેસ્ટ-વિકેટ બોલ્ડ કરીને લેનાર પહેલો સ્પિનર બન્યો વૉશિંગ્ટન
૧૨.૧ ઓવરમાં માત્ર બાવીસ રન આપી સુંદરે જે ચાર વિકેટ લીધી એ બૅટરને બોલ્ડ કરીને લીધી હતી, તે લૉર્ડ્સમાં આ રીતે ચાર વિકેટ લેનાર પહેલો સ્પિનર બન્યો છે.
ઇંગ્લૅન્ડમાં ટેસ્ટમાં ચાર વિકેટ બોલ્ડ કરીને લેનાર તે પહેલો ભારતીય સ્પિનર બન્યો હતો.
૧૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ પણ પૂરી કરીને વૉશિંગ્ટન સુંદરે વિદેશની ધરતી પરની પોતાની ટેસ્ટ-કરીઅરનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ પહેલાં ૨૦૨૪માં પુણેમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૫૯ રનમાં સાત વિકેટ લીધી હતી.
223
આટલી હાઇએસ્ટ ઇન્ટરનૅશનલ વિકેટ SENA દેશમાં ભારતીય તરીકે લેવાનો સ્પિનર અનિલ કુંબલે (૨૨૨ વિકેટ)નો રેકૉર્ડ તોડ્યો બુમરાહે.

