અનુભવના અભાવવાળી ગિલ ઍન્ડ કંપનીની ટીકા કરતા લોકો પર પ્રહાર કરતાં ગૌતમ ગંભીર કહે છે...
ગૌતમ ગંભીર
મૅન્ચેસ્ટર ટેસ્ટ-મૅચમાં ભારતના સંઘર્ષપૂર્ણ ડ્રૉ બાદ ફરી એક વાર ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીરની અંદરનું લડાયક વ્યક્તિત્વ બહાર આવ્યું છે. તેણે શુભમન ગિલ ઍન્ડ કંપનીની ટીકા કરતા લોકો પર પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન પ્રહાર કર્યા હતા.
ગૌતમ કહે છે, ‘તેઓ પોતાના દેશના સામાન્ય માણસ માટે લડવા માગે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ ટેસ્ટ-મૅચમાં ઘણા લોકોએ અમારી હાર માની લીધી હતી, પરંતુ અમે શાનદાર વાપસી કરી. તેઓ દેશ માટે આવી જ રીતે રમતા રહેશે. મને લાગે છે કે તેઓએ પોતાનો ઇતિહાસ બનાવવો જોઈએ. આ ટીમમાં કોઈ પણ અન્ય પ્લેયર્સના ભૂતકાળને અનુસરસે નહીં અને એવું કરવા માગશે નહીં. તેઓ પોતાનો ઇતિહાસ પોતે લખશે.’
ADVERTISEMENT
ગૌતમ આગળ કહે છે, ‘અમારી ટીમે પ્રેશર હેઠળ માનસિક મજબૂતીની ભાવનાનું એક ઉત્તમ ઉદાહરણ બતાવ્યું. આનાથી ટીમમાં ઘણો આત્મવિશ્વાસ પેદા થાય છે. મને ખાતરી છે કે જ્યારે અમે પાંચમી મૅચ માટે ઓવલમાં પ્રવેશ કરીશું ત્યારે અમારો આત્મવિશ્વાસ ખૂબ જ ઊંચો હશે, પરંતુ અમે કંઈ પણ હળવાશથી લઈ શકતા નથી. આ શ્રેષ્ઠ ૧૮ પ્લેયર્સ છે જે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અનુભવનો અભાવ છે, પરંતુ આ હજી પણ શ્રેષ્ઠ ભારતીય ટીમ છે.’
કૅપ્ટન શુભમન ગિલ વિશે તે કહે છે, ‘શુભમન ગિલની પ્રતિભા વિશે ક્યારેય કોઈ શંકા નહોતી. જો કોઈ વ્યક્તિને શંકા હોય તો એવું લાગે છે કે તે ક્રિકેટને સમજી શકતો નથી. જો તેણે સારું પ્રદર્શન ન કર્યું હોત તો પણ અમને તેની પ્રતિભા પર સંપૂર્ણ વિશ્વાસ હોત. મહત્ત્વની વાત એ છે કે તે તેની અપેક્ષાઓ અને ક્ષમતા પર ખરો ઊતરી રહ્યો છે. તે બૅટિંગ સમયે બૅટરની જેમ જ રમે છે. કૅપ્ટન્સીનું કહેવાતું પ્રેશર તેના પર અસર કરતું નથી.’
ગૌતમ ગંભીરે વ્યૂહાત્મક રીતે ટીમમાં પરિસ્થિતિને સરળ બનાવી નથી, તેણે શાંત રહેવાની જરૂર છે : સંજય માંજરેકર
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘મને લાગે છે કે ગૌતમ ગંભીરના કેટલાક રણનીતિક નિર્ણયો છતાં ભારતે સારું પ્રદર્શન કર્યું છે. ભૂલશો નહીં કે ભારત ઘરઆંગણે ન્યુ ઝીલૅન્ડ સામે ૦-૩થી ટેસ્ટ-સિરીઝ હારી ગયું હતું અને ઑસ્ટ્રેલિયામાં પણ આરામથી હારી ગયું.’
માંજરેકર વધુમાં કહે છે, ‘આ ટીમમાં આપણે જે સંઘર્ષ જોયો છે એ પ્લેયર્સને કારણે છે, કારણ કે વ્યૂહાત્મક રીતે ગંભીર હંમેશાં વસ્તુઓને સરળ બનાવતો નથી, ખાસ કરીને તેના કેટલાક પ્લેયર્સના પસંદગીના નિર્ણયો સાથે. ગંભીરને કદાચ થોડું શાંત રહેવાની જરૂર છે.’
અંતિમ ટેસ્ટ-મૅચ માટે તમામ ફાસ્ટ બોલર્સ ફિટ
હેડ કોચ ગૌતમ ગંભીરે પુષ્ટિ કરી છે કે ‘બધા ફાસ્ટ બોલરો ફિટ છે. કોઈની પણ ઇન્જરી વિશે કોઈ ચિંતા નથી. આખરે જે પણ રમે છે તે દેશ માટે પોતાનું કામ કરવાનો પ્રયાસ કરશે. અમે સિરીઝમાં પાછળ છીએ, પણ આશા છે કે અંતિમ ટેસ્ટમાં સ્કોરલાઇન ૨-૨ થશે. એ એક સારી સિદ્ધિ હશે.’


