Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પંત ફરી ઇન્જર્ડ, કૅપ્ટન ગિલ ફ્લૉપ, જાયસવાલ-સુદર્શનની હાફ-સેન્ચુરી

પંત ફરી ઇન્જર્ડ, કૅપ્ટન ગિલ ફ્લૉપ, જાયસવાલ-સુદર્શનની હાફ-સેન્ચુરી

Published : 24 July, 2025 09:37 AM | Modified : 25 July, 2025 07:00 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રથમ બૅટિંગ કરતાં ભારતે બનાવ્યા ૪ વિકેટે ૨૬૪ રન, અંશુલ કમ્બોજનું ડેબ્યુ, કરુણ નાયર ડ્રૉપ

સાઈ સુદર્શને ૬૧ રન સાથે ટેસ્ટ કરીઅરની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી.

સાઈ સુદર્શને ૬૧ રન સાથે ટેસ્ટ કરીઅરની પહેલી હાફ સેન્ચુરી ફટકારી હતી.


ઍન્ડરસન-તેન્ડુલકર સિરીઝની ચોથી ટેસ્ટના ગઈ કાલે પહેલા દિવસે ભારતે ૪ વિકેટે ૨૬૪ રન બનાવ્યા હતા. સાત ઓવર પહેલાં દિવસની સમાપ્તિ થઈ ત્યારે રવીન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુર ૧૯-૧૯ રન સાથે અણનમ રહ્યા હતા.

કૅપ્ટન શુભમન ગિલ ગઈ કાલે ફરી ટૉસ હાર્યો હતો અને ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લૅન્ડે પહેલાં જાહેરાત કરવા પ્રમાણે ઇન્જર્ડ સ્પિનર શબીર બસીરને સ્થાને લિયામ ડોસનને મોકો આપ્યો હતો, જ્યારે ભારતીય ટીમે ૩ બદલાવ કરતાં કરુણ નાયર, આકાશ દીપ અને નીતીશકુમાર રેડ્ડીના સ્થાને સાઈ સુદર્શન, શાર્દૂલ ઠાકુર અને યુવા પેસર અંશુલ કમ્બોજને મોકો આપ્યો હતો.



ઓપનરો યશસ્વી જાયસવાલ (૧૦૭ બૉલમાં એક સિક્સ અને ૧૦ ફોર સાથે ૫૮ રન) અને કે. એલ. રાહુલ (૯૮ બૉલમાં ચાર ફોર સાથે ૪૬ રન)એ ટીમને ૩૦ ઓવરમાં ૯૪ રનની ઓપનિંગ પાર્ટનરશિપ સાથે મજબૂત શરૂઆત કરાવી હતી. ૯૪ રનના સ્કોર પર રાહુલની વિદાય બાદ ૧૦ ઓવર બાદ ૧૨૦ રનના સ્કોર પર જાયસવાલ પણ ‍સ્લીપમાં કૅચ આપી બેઠો હતો. પ્રથમ બન્ને ટેસ્ટમાં શાનદાર પર્ફોર્મ કરનાર કૅપ્ટન શુભમન ગિલ માત્ર ૧૨ રન બનાવીને મિસ-જજમેન્ટમાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. ૧૪૦ રન પર ૩ વિકેટ પડી જતાં ભારતીય કૅમ્પ થોડો ચિંતાતૂર થયો હતો, પણ પ્રથમ ડેબ્યુ ટેસ્ટમાં ફ્લૉપ રહેનાર સાઈ સુદર્શને ૧૫૧ બૉલમાં ૬૧ રન સાથે ટીમની મદદે આવ્યો હતો. પંતના ૩૭ અને જાડેજા-શાર્દૂલના અણનમ ૧૯-૧૯ રનને લીધે ટીમ ચાર વિકેટે ૨૬૪ રન સુધી પહોંચી હતી. ઇંગ્લૅન્ડ વતી કૅપ્ટન બેન સ્ટૉક્સે બે તથા વૉક્સ અને ડોસને એક-એક વિકેટ લીધી હતી.


ઑલ્ડ ટ્રૅફર્ડમાં છેલ્લાં ૫૧ વર્ષમાં હાફ-સેન્ચુરી ફટકારનાર જાયસવાલ પ્રથમ ભારતીય ઓપનર બની ગયો હતો.  

ઇન્જર્ડ પંત ફરી ઇન્જર્ડ


ત્રીજી ટેસ્ટમાં આંગળીઓ પર ઈજાને લીધે તે કીપિંગ નહોતો કરી શક્યો અને તેના બદલે ધ્રુવ જુરેલે વિકેટ પાછળની જવાબદારી સંભાળી હતી. આ ઇન્જરીને લીધે તેની ચોથી ટેસ્ટમાં રમવા વિશે શંકા સેવાતી હતી. જોકે તે ફિટ જાહેર થતાં મેદાનમાં ઊતર્યો હતો, પણ ક્રિસ વૉક્સના બૉલમાં રિવર્સ સ્વીપ મારવા જતાં બૉલ તેના જમણા પગના અંગૂઠા પર વાગ્યો હતો. અંગૂઠામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેને તરત ગોલ્ફ કાર્ટમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

ઇંગ્લૅન્ડે એલબીડબ્લ્યુની અપીલ કરી હતી, પણ જરાક બૅટની કટ લાગી હોવાથી તે બચી ગયો હતો.

89

કાલે પંતે ફટકારેલી સિક્સર તેની ટેસ્ટની આટલામી સિક્સર હતી. આ સાથે ટેસ્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીયોમાં તે રોહિત શર્મા (૮૮)ને પછાડીને બીજા નંબરે પહોંચી ગયો હતો. ૯૦ સિક્સરના સેહવાગના રેકૉર્ડથી તે હવે માત્ર એક ડગલું પાછળ છે.

કુંબલે-કમ્બોજનું કમાલનું કનેક્શન

ભારતીય ટીમે ગઈ કાલે ઇન્જર્ડ આકાશ દીપના સ્થાને ૨૪ વર્ષના યુવા પેસર અંશુલ કમ્બોજનું ડેબ્યુ કરાવ્યું હતું. આ સાથે એ ભારતનો ૩૧૮મો ટેસ્ટ-ક્રિકેટર બન્યો હતો. મૅન્ચેસ્ટરમાં છેલ્લે કોઈ ભારતીય ખેલાડીએ ડેબ્યુ કર્યું હતું એ અનિલ કુંબલે હતો. કુંબલે અને કમ્બોજ વચ્ચે એક જ મેદાનમાં ડેબ્યુ કરવા ઉપરાંત પણ એક સમાનતા એ છે કે બન્ને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં દસેદસ વિકેટ લેવાનો રેકૉર્ડ ધરાવે છે. કુંબલેએ પાકિસ્તાન સામે દિલ્હીમાં દસેદસ વિકેટ લીધી હતી, જ્યારે કમ્બોજે ગયા વર્ષે રોહતકમાં હરિયાણા વતી રમતાં કેરલા ટીમ સામે દસેદસ વિકેટ ઝડપીને ભારે તરખાટ મચાવ્યો હતો અને સિલેક્ટરોની નજરમાં આવી ગયો હતો. અત્યાર સુધીમાં ૨૪ ફર્સ્ટ ક્લાસ મૅચમાં તે કુલ ૭૯ વિકેટ ઝડપી ચૂક્યો છે.

ગયા વર્ષે IPL ઑક્શનમાં પણ કમ્બોજ માટે ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને આખરે ચેન્નઈ સુપર કિંગ્સે ૩.૪૦ કરોડમાં ખરીદ્યો હતો.

કુંબલે અને કમ્બોજ વચ્ચે વધુ એક સમાનતા બન્નેના નામના શૉર્ટ ફૉર્મમાં AK થાય છે.

જાયસવાલનું બૅટ તૂટ્યું, પણ રાહુલ સાથે કરી શરૂઆત મજબૂત

ગઈ કાલે મૉર્નિંગ સેશનમાં એક અજબ ઘટના જોવા મળી હતી. પ્રથમ સેશનની નવમી ઓવર નાખી રહેલા ઇંગ્લૅન્ડના પેસર ક્રિસ વૉક્સના એક બૉલને બૅકફુટ પર જઈને રમતી વખતે જાયસવાલનું બૅટ તૂટી ગયું હતું. નવાઈની વાત છે કે વૉક્સના બૉલની સ્પીડ માત્ર ૧૨૬ કિલોમીટરની હતી. આ ઘટના બાદ બૅટની ક્વૉલિટીની ચર્ચાને બદલે સિરીઝમાં જેની સૌથી વધુ ચર્ચા જોવા મળી છે એ ડ્યુક્સ બૉલ વિશે જ વાતો થવા લાગી હતી. અત્યાર સુધી આ ડ્યુક્સ બૉલ જલદીથી નરમ થઈ જાય છે એવો આરોપ થતો હતો, પણ બૅટ તૂટતાં શું બૉલ હવે કડક થઈ રહ્યો છે? એવા સવાલો ઊઠવા લાગ્યા હતા.

ફરોખ એન્જિનિયર અને ક્લાઇવ લૉઇડનું થયું સન્માન

ગઈ કાલે મૅચ પહેલાં લૅન્કશર વતી ક્રિકેટ રમી ચૂકેલા બે દિગ્ગજ ખેલાડીઓ ભારતના ફરોખ એન્જિનિયર અને વેસ્ટ ઇન્ડીઝના ક્લાઇવ લૉઇડના માનમાં સ્ટૅન્ડને તેમનું નામ આપવામાં આવ્યું હતું અને ગઈ કાલે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે ફિરોખ એન્જિનિયર પહેલા ભારતીય ખેલાડી બની ગયા કે જેમના નામનું સ્ટૅન્ડ મૅન્ચેસ્ટરમાં છે. ૮૭ વર્ષના ફરોખ એન્જિનિયર ૧૯૬૮થી ૧૯૭૬ દરમ્યાન લૅન્કશર વતી કુલ ૧૭૫ મૅચ રમ્યા હતા જેમાં તેમણે ૫૯૪૨ રન બનાવ્યા હતા અને ૪૨૯ કૅચ ઉપરાંત ૩૫ સ્ટમ્પિંગ કરી હતી. લૉઇડ ૧૯૬૮થી ૧૯૮૬ દરમ્યાન આ ક્બલ વતી રમ્યા હતા.

ભારતીય કૅપ્ટન શુભમન ગિલ સતત ચોથી ટેસ્ટમાં ટૉસ હાર્યો ટીમનો સળંગ ૧૪ ટૉસ હારવાનો નવો વર્લ્ડ રેકૉર્ડ

ગઈ કાલે સતત ચોથી ટેસ્ટમાં પણ કૅપ્ટન ગિલ ટૉસ હાર્યો હતો. આ સાથે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ભારતીય ટીમે સળંગ ૧૪મો ટૉસ હારીને પોતાનો જ રેકૉર્ડ વધુ મજબૂત કર્યો હતો. ત્રીજી ટેસ્ટમાં ટૉસ હારીને ભારતે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમનો ૧૯૯૯નો ૧૨ ટૉસ હારવાનો રેકૉર્ડ તોડ્યો છે. ભારતીય ટીમ છેલ્લે જાન્યુઆરી ૨૦૨૫માં રાજકોટમાં ઇંગ્લૅન્ડ સામેની T20 મૅચમાં ટૉસ જીતી હતી. ત્યાર બાદ ભારતે સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં બે T20, રોહિત શર્માના નેતૃત્વમાં ૯ વન-ડે અને શુભમન ગિલ સાથે ૩ ટેસ્ટ-મૅચમાં ટૉસ હારવાનો સામનો કર્યો છે.  

Whatsapp-channel Whatsapp-channel

25 July, 2025 07:00 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK