૫૮ બૉલમાં ૧૦૦ રન ફટકારીને અન્ડર-19માં ભારત માટે સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ખેલાડી પણ બન્યો. ૬૨ બૉલમાં ૧૦૪ રન ફટકારનાર ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ આ બે દિવસની રમતમાં મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા હતા.
વૈભવ સૂર્યવંશી
ચેન્નઈમાં રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમ વચ્ચેની પહેલી ચાર-દિવસીય ટેસ્ટમાં મહેમાન ટીમે શાનદાર લીડ મેળવી છે. પહેલી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાનો સ્કોર ૨૯૩ રન અને ભારતનો સ્કોર ૨૯૬ રન રહ્યો છે, જ્યારે બીજી ઇનિંગ્સમાં ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટે ૧૧૦ રન ફટકારીને ૧૦૭ રનની લીડ મેળવી છે. ૬૨ બૉલમાં ૧૦૪ રન ફટકારનાર ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ આ બે દિવસની રમતમાં મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા હતા.
બિહારના આ ૧૩ વર્ષ ૧૮૮ દિવસની ઉંમરના ખેલાડીએ ૫૮ બૉલમાં સેન્ચુરી ફટકારી છે. તે ભારત માટે અન્ડર-19માં સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકાર ખેલાડી બન્યો છે. તે ઇંગ્લૅન્ડના ક્રિકેટર મોઈન અલીનો ૨૦૦૫નો ૫૬ બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો અન્ડર-19નો રેકૉર્ડ તોડતાં ચૂકી ગયો છે.
પ્રોફેશનલ ક્રિકેટમાં સેન્ચુરી ફટકારનાર વૈભવ યંગેસ્ટ ક્રિકેટર બન્યો છે. આ મામલે તેણે બંગલાદેશના હાલના કૅપ્ટન નઝમુલ શાન્તોનો ૨૦૧૩નો રેકૉર્ડ તોડ્યો છે જેમાં તેણે ૧૪ વર્ષ ૨૪૧ દિવસની ઉંમરે અન્ડર-19 શ્રીલંકન ટીમ સામે વન-ડેમાં ફિફ્ટી નોંધાવી હતી. જાન્યુઆરી ૨૦૨૪માં ૧૨ વર્ષની ઉંમરે મુંબઈ સામે બિહાર તરફથી અન્ડર-19માં ડેબ્યુ કરીને તેણે ભારતના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ (૧૫ વર્ષ અને ૫૭ દિવસ) અને સચિન તેન્ડુલકર (૧૫ વર્ષ અને ૨૩૦ દિવસ)ને પાછળ છોડ્યા છે.