મોટા માર્જિનવાળી બે જીત સાથે સાઉથ આફ્રિકાની જીત પણ જરૂરી : ભારતનો નેટ રનરેટ હાલમાં માઇનસ ૩.૮૦૦ છે, ઝિમ્બાબ્વે સામે ૨૬ ફેબ્રુઆરીએ અને વેસ્ટ ઇન્ડીઝ સામે ૧ માર્ચે ટક્કર
ફાઇલ તસવીર
અમદાવાદમાં રવિવારે ભારતીય ટીમની સાઉથ આફ્રિકા સામેની કારમી હારથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હાજર ૯૦,૯૫૪ દર્શકો સાથે દેશભરના ક્રિકેટ-ફૅન્સનાં દિલ તૂટી ગયાં હતાં. ૭૬ રનની હાર એ T20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર હતી. અગાઉ ૨૦૧૦માં ભારતને ઑસ્ટ્રેલિયા સામે ૪૯ રને હાર મળી હતી. T20 વર્લ્ડ કપમાં ભારત ૨૦૨૨થી સતત ૧૨ મૅચ જીતી રહ્યું હતું અને રવિવારે જીતનો એ સિલસિલો તૂટ્યો હતો.
રવિવારે ભારતે T20 વર્લ્ડ કપનો પોતાનો ત્રીજો લોએસ્ટ સ્કોર ૧૧૧ રન કર્યો હતો. સુપર 8ના ગ્રુપ વનમાં ભારતનો નેટ રનરેટ હાલમાં -૩.૮૦૦ છે. ગ્રુપ વનમાં ટૉપ-ટૂમાં સામેલ થવા હાલમાં બે મહત્ત્વપૂર્ણ સમીકરણ સામે આવ્યાં છે. ભારતે અન્ય બે ટીમ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે અનુક્રમે ૨૬ ફેબ્રુઆરીએ અને ૧ માર્ચે મોટા અંતરથી જીત મેળવીને પોતાનો નેટ રનરેટ સુધારવો પડશે. સાથે જ સાઉથ આફ્રિકા પણ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે જીતે એવી આશા રાખવી પડશે. ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝની જીત થશે તો ભારતની સેમી ફાઇનલની દાવેદારી જોખમમાં મુકાઈ જશે. સેમી-ફાઇનલમાં એન્ટ્રી માટે સૂર્યા ઍન્ડ કંપનીને ૪ પૉઇન્ટની સાથે નેટ રનરેટ બાકીની ટીમોથી ખૂબ સારો રાખવો પડશે.
ADVERTISEMENT
11
વર્તમાન T20 વર્લ્ડ કપમાં ભારતના બૅટર્સ સૌથી વધુ આટલી વાર ઝીરોમાં આઉટ થયા.
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સુનીલ ગાવસકર
ભારતના બૅટર્સ અતિશય આત્મવિશ્વાસ સાથે મેદાનમાં આવ્યા અને દરેક બૉલ પર બૅટ ફેરવીને પોતાની વિકેટ ગુમાવી. તમારે તમારા અહંકારથી છુટકારો મેળવવો પડશે. વિરોધી ટીમ પાસેથી શીખો અને અવલોકન કરો.
