કૅપ્ટન મિચલ માર્શ, ટ્રૅવિસ હેડની ફિફ્ટીના આધારે ઑસ્ટ્રેલિયાએ ૧૮૧ રન કર્યા હતા, પથુમ નિસાન્કાની વર્તમાન સીઝનની પહેલી સદીથી શ્રીલંકાએ રેકૉર્ડ ટાર્ગેટ સરળતાથી ચેઝ કર્યો
શ્રીલંકાનો યંગ ઓપનર પથુમ નિસાન્કા બાવન બૉલમાં ૧૦૦ રન કરીને T20 વર્લ્ડ કપ ૨૦૨૬નો પહેલો શતકવીર બન્યો હતો.
પલેકેલેમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકાની ધમાકેદાર T20 વર્લ્ડ કપ મૅચ જોવા મળી હતી. ઑસ્ટ્રેલિયાએ ઓપનર્સ મિચલ માર્શ, ટ્રૅવિસ હેડની ફિફટીના આધારે ૧૮૧/૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં શ્રીલંકાએ પથુમ નિસાન્કાની સદી અને કુસલ મેન્ડિસની ફિફ્ટીના આધારે ૧૮ ઓવરમાં બે વિકેટે ૧૮૪ રન કરીને ૧૮૨ રનનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી દેખાડ્યો હતો.
T20 વર્લ્ડ કપમાં આ શ્રીલંકાનો અને ઑસ્ટ્રેલિયા સામે કોઈ પણ ટીમનો હાઇએસ્ટ સફળ રન-ચેઝ હતો. વાઇટ-બૉલ ફૉર્મેટના વર્લ્ડ કપમાં શ્રીલંકાની ઑસ્ટ્રેલિયા સામે ૨૦૦૯ બાદ પહેલી અને ઑવરઑલ માત્ર ત્રીજી જ જીત હતી.
ADVERTISEMENT
ઇન્જરીમાંથી ફિટ થઈને આવેલા કૅપ્ટન મિચલ માર્શે ૨૭ બૉલમાં ૮ ફોર અને બે સિક્સના આધારે ૫૪ રન કર્યા હતા. ટ્રૅવિસ હેડે ૨૯ બૉલમાં ૭ ફોર અને ૩ સિક્સના આધારે ૫૬ રન ફટકાર્યા હતા. ૮.૩ ઓવરમાં ઓપનર્સની ૧૦૪ રનની ભાગીદારી છતાં કાંગારૂઓ ૨૦૦ રનનો આંકડો પાર કરી શક્યા નહોતા. ઑસ્ટ્રેલિયાએ અંતિમ ૬ વિકેટ ૨૧ રનની અંદર ગુમાવી હતી. શ્રીલંકાના સ્પિનર દુષન હેમન્થાએ ૩ વિકેટ અને ફાસ્ટ બોલર દુષ્મન્તા ચમીરાએ બે વિકેટ ઝડપી હતી.
રન-ચેઝ સમયે શ્રીલંકાના યંગ ઓપનર પથુમ નિસાન્કાએ બાવન બૉલમાં ૧૦ ફોર અને પાંચ સિક્સના આધારે અણનમ ૧૦૦ રન ફટકાર્યા હતા. વર્તમાન સીઝનમાં પહેલી સદી નોંધાવનાર પથુમ નિસાન્કાએ T20 વર્લ્ડ કપમાં શ્રીલંકા માટે હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોરની બરાબરી કરી હતી. T20 વર્લ્ડ કપમાં તે ઑસ્ટ્રેલિયા સામે સદી ફટકારનાર પહેલો બૅટર પણ બન્યો છે. ત્રીજા ક્રમે રમીને કુસલ મેન્ડિસે ૩૮ બૉલમાં ૬ ફોર અને એક સિક્સના આધારે ૫૧ રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયા માટે ફાસ્ટ બોલર માર્કસ સ્ટોઇનિસ જ બે વિકેટ લઈ શક્યો હતો. પલેકેલેના હાઉસફુલ સ્ટેડિયમમાં શ્રીલંકાની ટીમના ફૅન્સ તરફથી ભારે સમર્થન મળ્યું હતું.
સ્ટીવ સ્મિથને સ્ક્વૉડમાં સામેલ કર્યો પણ રમાડ્યો નહીં
ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે ઇન્જર્ડ ફાસ્ટ બોલર જૉશ હેઝલવુડના રિપ્લેસમેન્ટ તરીકે સ્ટાર બૅટર સ્ટીવ સ્મિથને ઑફિશ્યલ રીતે T20 વર્લ્ડ કપ સ્ક્વૉડમાં સામેલ કર્યો હતો. તે ગયા અઠવાડિયાના અંતે કાંગારૂ ટીમ સાથે શ્રીલંકામાં જોડાયો હતો. તેને પહેલાં ઇન્જર્ડ કૅપ્ટન મિચલ માર્શના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો. જોકે ગઈ કાલની મૅચમાં આ અનુભવી પ્લેયરને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. તે બીજી ઇનિંગ્સમાં અન્ય પ્લેયર્સના બ્રેક સમયે સબસ્ટિટ્યુટ પ્લેયર તરીકે જ ફીલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો.
