અંગ્રેજ ટીમના ૨૫૪ રનના ટાર્ગેટ સામે કિવી ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૩૮ રને ઑલઆઉટ, યજમાન ૧૧૫ રને જીત્યું
ઑલી રૉબિન્સન ૭ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ન્યુ ઝીલૅન્ડ સામેની ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં ઇંગ્લૅન્ડે ૧-૦થી લીડ મેળવી લીધી છે. હાલમાં લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડની ઐતિહાસિક ૧૫૦મી ટેસ્ટ-મૅચમાં અંગ્રેજ ટીમે ૧૧૫ રને શાનદાર જીત હાંસલ કરી હતી. વરસાદથી પ્રભાવિત મૅચમાં ઇંગ્લૅન્ડે ૧૪૦ રન અને ૨૨૬ રન કરીને ૨૫૪ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. સિરીઝની પહેલી ટેસ્ટ-મૅચમાં ન્યુ ઝીલૅન્ડ પહેલી ઇનિંગ્સમાં ૧૧૩ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૧૩૮ રને ઢેર થઈને હાર્યું હતું. ગઈ કાલે ચોથા દિવસની શરૂઆતમાં ન્યુ ઝીલૅન્ડનો સ્કોર પાંચ વિકેટે ૫૫ રન હતો. કિવી ટીમને જીતવા માટે ૧૯૯ રનની અને યજમાન ટીમને પાંચ વિકેટની જરૂર હતી. અંગ્રેજ ટીમ માટે હૅરી બ્રુકે ૫૬ રન અને યંગ ઓપનર એમિલિયો ગેએ ૫૭ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડ તરફથી બે ૪૦+ રનના સ્કોર બીજી ઇનિંગ્સમાં ડેવોન કૉન્વે (૪૧ રન) અને ગ્લેન ફિલિપ્સે (૪૪ રન) કર્યા હતા. લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના ઇતિહાસની આ બીજી સૌથી નાની ટેસ્ટ-મૅચ હતી. બન્ને ટીમ વચ્ચે ૧૬૬ ઓવર એટલે કે ૯૯૬ બૉલમાં જ ટેસ્ટ-મૅચ પૂરી થઈ ગઈ હતી. અગાઉ આ સ્ટેડિયમમાં ૧૯૦૨માં ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ-મૅચ ૩૮ ઓવર એટલે કે ૨૨૮ બૉલમાં સમાપ્ત થઈ ગઈ હતી. ક્રિકેટ-ઇતિહાસમાં અત્યારે ૫૮મી વખત ૧૦૦૦થી ઓછા બૉલમાં ટેસ્ટ-મૅચ સમાપ્ત થઈ છે.
