હાર્દિક અને નતાશાએ આખરે જાહેર કર્યું કે તેઓ છૂટાં પડી રહ્યાં છે
હાર્દિક અને નતાશા સ્ટૅન્કોવિચ
હાર્દિક પંડ્યાએ હવે તેના ડિવૉર્સની વાત પર પોતે જ મહોર મારી દીધી છે. છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે હાર્દિક અને નતાશા સ્ટૅન્કોવિચના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું છે અને તેઓ ડિવૉર્સ લઈ રહ્યાં છે. નતાશા છેલ્લા ઘણા સમયથી એકલી અથવા તો તેના ફ્રેન્ડ સાથે જોવા મળી રહી હતી. સર્બિયન ડાન્સર અને મૉડલ નતાશા અને હાર્દિકે ૨૦૨૦ની
૧ જાન્યુઆરીએ સગાઈ કરી હતી અને કોવિડમાં એટલે કે ૨૦૨૦ની ૩૧ મેએ ફૅમિલીની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરો છે જેનું નામ અગસ્ત્ય છે. ૨૦૨૩ની ૧૪ ફેબ્રુઆરીએ તેમણે ઉદયપુરમાં ફરી લગ્નનાં વચન લીધાં હતાં.
હાર્દિક અને નતાશાએ જૉઇન્ટ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે ‘ચાર વર્ષ સાથે રહ્યા બાદ મેં અને નતાશા બન્નેએ અમારી મરજીથી અલગ થવાનું નક્કી કર્યું છે. અમે અમારાથી શક્ય હોય એટલી તમામ કોશિશ કરી છે. જોકે અમને બન્નેને લાગી રહ્યું છે કે અલગ થઈ જવું જ બન્ને માટે સારું રહેશે. અમારા માટે આ ખૂબ કપરો નિર્ણય હતો. અમે એકમેકને દરેક ખુશી આપી છે, એકમેકને એટલો જ રિસ્પેક્ટ પણ આપ્યો છે. અમે એકમેકનો સાથ ખૂબ માણ્યો છે અને એક ફૅમિલી તરીકે અમે આગળ વધ્યાં હતાં. ભગવાનના આશીર્વાદ સમો અમારો દીકરો અગસ્ત્ય અમારા બન્નેના જીવનનું કેન્દ્ર બની રહેશે. અગસ્ત્યની ખુશી માટે અમે બન્ને અમારાથી બનતું બધું તેને આપીશું અને સાથે મળીને તેને ઉછેરીશું. આ કપરા અને સેન્સિટિવ સમયે દરેક વ્યક્તિ અમારી પ્રાઇવસીને સમજે અને અમને સપોર્ટ કરે એવી અમે વિનંતી કરીએ છીએ. હાર્દિક અને નતાશા.’

