શ્રીસંતની દીકરીની આ વાત સાંભળી રડી પડ્યો હતો હરભજન સિંહ, એ ઘટના માટે ભજ્જીએ ૨૦૦ વાર માગી છે માફી
હરભજન સિંહ, શ્રીસંતની દીકરી
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિનના યુટ્યુબ શોમાં ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે મોટો ખુલાસો કર્યો હતો. IPL 2008માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતાં તેણે પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર શ્રીસંતને થપ્પડ મારી હતી. એની વાત કરતાં ભજ્જી કહે છે, ‘મારા જીવનમાં એક વસ્તુ હું બદલવા માગું છું એ છે શ્રીસંત સાથેની ઘટના. હું મારી કરીઅરમાંથી એ ઘટના ભૂંસી નાખવા માગું છું. એ ઘટનાને હું મારી યાદીમાંથી દૂર કરવા માગું છું. જે થયું એ ખોટું હતું, મારે ન કરવું જોઈતું હતું. મેં એ મામલે ૨૦૦ વાર માફી માગી છે.’
હરભજન સિંહ વધુમાં કહે છે, ‘હા, એ મારી ભૂલ હતી અને તેની ભૂલ ફક્ત એટલી હતી કે તેણે મને ઉશ્કેર્યો હતો. વર્ષો પછી જ્યારે હું તેની દીકરીને મળ્યો ત્યારે મને વધુ દુઃખ થયું. હું તેની સાથે ખૂબ પ્રેમથી વાત કરી રહ્યો હતો અને તેણે કહ્યું કે હું તમારી સાથે વાત કરવા માગતી નથી. તમે મારા પપ્પાને થપ્પડ મારી હતી. મારું દિલ તૂટી ગયું અને હું રડી પડ્યો હતો. મેં તેના પર કેવો પ્રભાવ છોડી દીધો છે? તે મને તેના પિતાને મારનાર વ્યક્તિ તરીકે જુએ છે. મને ખૂબ ખરાબ લાગ્યું. હું હજી પણ તેની પુત્રીની માફી માગું છું. હું ફક્ત આશા રાખું છું કે જ્યારે તે મોટી થશે ત્યારે મને એ જ રીતે નહીં જુએ. મને આશા છે કે તે સમજશે કે તેના અંકલ હંમેશાં તેની સાથે રહેશે અને તેને દરેક શક્ય રીતે ટેકો આપશે.’


