અઢારમી ઓવરમાં હાફ સૅન્ચુરી પૂરી કરી અને વીસમી ઓવરમાં સેન્ચુરી, પહેલા બાવીસ બૉલમાં માત્ર ૧૯ રન કર્યા અને પછીના ૨૩ બૉલમાં ફટકારી દીધા ૮૨ રન
તિલક વર્મા
ગુજરાત ટાઇટન્સને ૨૦૦ રનના ટાર્ગેટ સામે ૧૦૦ રને ઢેર કરીને મુંબઈ ઇન્ડિયન્સે ૯૯ રને વર્તમાન સીઝનની સૌથી મોટી જીત નોંધાવી હતી. રનના મામલે ગુજરાતની આ સૌથી મોટી હાર હતી. અમદાવાદના સ્ટેડિયમમાં મુંબઈએ ગુજરાત સામે પાંચ મૅચમાંથી પહેલી જીત નોંધાવી હતી. અમદાવાદના સ્ટેડિયમમાં મુંબઈ છેલ્લે છ મૅચથી હારી રહ્યું હતું અને છેલ્લી જીત ૨૦૧૪માં મોટેરા સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ સામે મળી હતી. અઢારમી ઓવરમાં ફિફ્ટી અને વીસમી ઓવરમાં સેન્ચુરી ફટકારનાર તિલક વર્માએ મુંબઈ માટે રેકૉર્ડ ૪૫ બૉલમાં સેન્ચુરી ફટકારવાની સાથે અન્ય કેટલાક મોટા રેકૉર્ડ પણ કર્યા હતા. કૅમરન ગ્રીન (૨૩ વર્ષ ૩૫૩ દિવસ)ને પછાડીને તિલક વર્મા ૨૩ વર્ષ ૧૬૩ દિવસની ઉંમરે મુંબઈનો યંગેસ્ટ સેન્ચુરિયન બન્યો હતો. તિલક વર્મા IPL ઇનિંગ્સની અંતિમ ૬ ઓવરમાં સૌથી વધુ ૮૨ રન કરનાર બૅટર બન્યો છે. અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી ક્વિન્ટન ડી કૉકે ૨૦૨૨માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે છેલ્લી ૬ ઓવર દરમ્યાન ૮૦ રન કર્યા હતા.
તિલક વર્માના ૧૦૧ રન સામે ગુજરાતની આખી ટીમ ૧૦૦ રનમાં જ સમેટાઈ ગઈ; IPLમાં અગાઉ આ સિદ્ધિ ૮ પ્લેયર્સ મેળવી ચૂક્યા છે
ADVERTISEMENT
IPL ઇતિહાસમાં હરીફ ટીમના ટોટલ સ્કોર કરતાં પણ વધારે રન કરનાર તિલક વર્મા મુંબઈને પહેલો અને ઓવરઑલ નવમો ખેલાડી બન્યો છે. તિલક વર્માના ૧૦૧ રન સામે ગુજરાતની આખી ટીમ ૧૦૦ રનમાં જ ઢેર થઈ હતી. ટુર્નામેન્ટની પહેલવહેલી મૅચમાં કલકત્તાના બ્રેન્ડન મૅક્લમના ૧૫૮ રન સામે બૅન્ગલોરની ટીમ ૮૨ રને ઢેર થઈ હતી. ૨૦૦૯માં બૅન્ગલોરના રાહુલ દ્રવિડના ૬૬ રન સામે રાજસ્થાન ૫૮ રન જ કરી શક્યું હતું. ૨૦૧૩માં બૅન્ગલોરના ક્રિસ ગેઇલના રેકૉર્ડ ૧૭૫ રન બાદ પુણેની ટીમ ૧૩૩ રન જ કરી શકી હતી. ૨૦૧૫માં ક્રિસ ગેઇલે બૅન્ગલોર માટે ૧૧૭ રન કર્યા ત્યારે પંજાબની ટીમ ૮૮ રન જ કરી શકી હતી. ૨૦૧૬માં બૅન્ગલોર તરફથી જ્યારે બે અલગ-અલગ મૅચમાં વિરાટ કોહલીએ ૧૦૯ રન અને એ.બી. ડિવિલિયર્સે ૧૨૯ રન કર્યા ત્યારે ગુજરાત લાયન્સની ટીમ બન્ને વખતે ૧૦૪ રનના સ્કોર પર ઢેર થઈ ગઈ હતી. ૨૦૧૮માં હૈદરાબાદ માટે જૉની બૅરસ્ટોના ૧૧૪ રન સામે બૅન્ગલોરની ટીમ ૧૧૩ રન જ કરી શકી હતી. છેલ્લે ૨૦૨૦માં પંજાબ તરફથી કે.એલ. રાહુલે ૧૩૨ રન કર્યા ત્યારે બૅન્ગલોરની ટીમ ૧૦૯ રન જ કરી શકી હતી.
