દર રવિવારે પણ હું પરિવાર સાથે જલેબી-ગાંઠિયા ખાઉં છું
જયદેવ ઉનડકટ
રણજી ટ્રોફીની છેલ્લી ત્રણ સીઝનમાં બે વાર સૌરાષ્ટ્રને ટ્રોફી અપાવનાર અને આઇપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ વતી રમતા ૩૨ વર્ષના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે કહ્યું કે મને દરેક ટૂર પરથી પાછો આવ્યા બાદ જલેબી-ગાંઠિયા તો જોઈએ જ.
પોરબંદરમાં જન્મેલા જયદેવે જિયોસિનેમા સાથેની હળવી વાતચીતમાં તે ગુજરાતી હોવાની કઈ ઓળખ આપવાનું સૌથી પહેલાં પસંદ કરશે? એવું પુછાતાં તેણે કહ્યું કે ‘દરેક ટૂર પરથી પાછો આવ્યા બાદ સૌથી પહેલાં હું જલેબી-ગાંઠિયા (ફાફડા) ખાઉં. ગુજ્જુમાં આ શોખ સામાન્ય છે. દર રવિવારે પણ હું પરિવાર સાથે જલેબી-ગાંઠિયા ખાઉં છું. જમવામાં મને છાશ તો જોઈએ જ, એના વગર ચાલે જ નહીં. હું ભારતની બહાર પ્રવાસે જાઉં તો યૉગર્ટ લઉં, એને પાણીમાં ઉમેરું, મિક્સ કરું અને બસ! છાશ તૈયાર. ટૂર પર જાઉં ત્યારે નાસ્તા માટે માખણા ખાસ લઈ જાઉં. શિયાળામાં હું મારી મમ્મીના હાથની તલની ચિક્કી અને અડદિયા પાક ખાવાનું જરાય ન ચૂકું.’
ADVERTISEMENT
પુજારા એટલે ‘ભગવાનનો માણસ’
ગુજરાતી સ્ટાઇલમાં તું કેટલાક ખેલાડીઓને શું કહીને બોલાવવાનું પસંદ કરે? એવું જયદેવને ક્વીક-ફાયર ક્વેશ્ચન્સમાં પૂછવામાં આવતાં તેણે કહ્યું કે ‘હું એમએસ ધોનીને મોટા ભાઈ કહેવાનું પસંદ કરું છું. ઈશાન કિશન અને રિષભ પંતને હરખપદૂડો કહું, ચેતેશ્વર પુજારાને ભગવાનનો માણસ કહું અને સૂર્યકુમાર યાદવને જલેબી જેવો સીધો કહીને બોલાવવાનું પસંદ કરું.’
ગરબામાં અક્ષર એક્કો : જયદેવ
એ.એન.આઇ.ના અહેવાલમાં જણાવાયા મુજબ રવીન્દ્ર જાડેજાને ‘પતંગ ઉડાડવામાં એક્કો’ તરીકે ઓળખાવવાની સાથે તારા સાથી-ખેલાડીઓમાં ગરબા કોણ સૌથી સારું પર્ફોર્મ કરે? એવું જયદેવને પુછાતાં તેણે કહ્યું કે ‘એ બાબતમાં હું મારા બેસ્ટ ફ્રેન્ડ અક્ષર પટેલનું નામ આપીશ. મેં તેને ગરબા ગાતો જોયો છે. તે બહુ સારું પર્ફોર્મ કરી જાણે છે. જોકે ચેતેશ્વર પુજારા કરતાં તો હું સારા ગરબા રમું જ છું એ હું ચૅલેન્જ સાથે કહી શકું.’


