નવજાત દીકરી સાથે રહેવાને બદલે ઇંગ્લૅન્ડ ટૂર માટે વહેલા નીકળવા વિશે કે. એલ. રાહુલે કહ્યું...
કે. એલ. રાહુલ, દિલ્હી કૅપિટલ્સના હેડ કોચ હેમાંગ બદાણી
દિલ્હી કૅપિટલ્સના હેડ કોચ હેમાંગ બદાણીએ સ્ટાર બૅટર કે. એલ. રાહુલની ભારતીય ક્રિકેટ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. માર્ચ મહિનામાં દીકરીનો પપ્પા બન્યા બાદ રાહુલ વહેલી તકે દિલ્હી કૅપિટલ્સ માટે રમવા પહોંચી ગયો અને IPL ૨૦૨૫ બાદ તેણે નવજાત દીકરી સાથે વધુ સમય પસાર કરવાને બદલે ઇંગ્લૅન્ડ ટૂર પર ઇન્ડિયા-A ટીમ સાથે પ્રૅક્ટિસ કરવા માટે સિનિયર ટીમના પ્લેયર્સ કરતાં વહેલો પહોંચી ગયો હતો.
ઇંગ્લૅન્ડ ટૂર પર વહેલા જવા વિશે તેણે દિલ્હીના હેડ કોચ સામે ખુલાસો કર્યો હતો કે ‘દેશ પહેલાં હેમાંગભાઈ, મને આ ટીમની ચિંતા છે.’ હેમાંગે આગળ કહ્યું કે ‘તેનો ઇરાદો મહત્ત્વનો હતો. વહેલા પહોંચવાનો, તૈયાર રહેવાનો, ટીમ સાથે રહેવાનો ઇરાદો. ભૂલશો નહીં કે તે એક યુવા પપ્પા છે અને મને નથી લાગતું કે તેનું બાળક શરૂઆતમાં તેની સાથે મુસાફરી કરી રહ્યું છે. એથી તેના માટે ‘મારા બાળક કરતાં દેશ પહેલાં’ એવું કહેવું એ એક મોટો નિર્ણય છે. હું તેની આંખો અને તેના શબ્દોમાં ભૂખ જોઈ શકતો હતો. રોહિત અને વિરાટની ગેરહાજરીમાં તે સૌથી સિનિયર બૅટ્સમૅન બની જાય છે અને તેણે આ ભૂમિકા ખરેખર સારી રીતે ભજવી છે.’


