Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૉક્સિંગ ડે ટેસ્ટ-મૅચ બીજા જ દિવસે સમાપ્ત, કાંગારૂઓની ધરતી પર ૧૫ વર્ષ બાદ ટેસ્ટ-મૅચ જીત્યા અંગ્રેજો

બૉક્સિંગ ડે ટેસ્ટ-મૅચ બીજા જ દિવસે સમાપ્ત, કાંગારૂઓની ધરતી પર ૧૫ વર્ષ બાદ ટેસ્ટ-મૅચ જીત્યા અંગ્રેજો

Published : 28 December, 2025 11:27 AM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયાએ આપેલા ૧૭૫ રનના ટાર્ગેટને યજમાન ટીમે ૬ વિકેટે ૧૭૮ રન કરીને ચેઝ કર્યો, ઇંગ્લૅન્ડ પરથી ક્લીન સ્વીપનો ખતરો ટળ્યો, સ્કોરલાઇન ૩-૧ થઈ

ઇંગ્લૅન્ડના ઓપનર ઝૅક ક્રૉલીએ ૪૮ બૉલમાં ૩૭ રન અને જેકબ બેથલે ૪૬ બૉલમાં ૪૦ રન કરીને ઇંગ્લૅન્ડની જીત સુનિશ્ચિત કરી હતી. જૉશ ટન્ગ મેલબર્ન ટેસ્ટ-મૅચમાં ૭ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ તરીકે પરંપરાગત મુલ્લાઘ મેડલ જીત્યો હતો.

ઇંગ્લૅન્ડના ઓપનર ઝૅક ક્રૉલીએ ૪૮ બૉલમાં ૩૭ રન અને જેકબ બેથલે ૪૬ બૉલમાં ૪૦ રન કરીને ઇંગ્લૅન્ડની જીત સુનિશ્ચિત કરી હતી. જૉશ ટન્ગ મેલબર્ન ટેસ્ટ-મૅચમાં ૭ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચ તરીકે પરંપરાગત મુલ્લાઘ મેડલ જીત્યો હતો.


મેલબર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટ-મૅચમાં ૪ વિકેટે વિજય મેળવીને ઍશિઝની સ્કોરલાઇનને ૩-૧ કરીને ઇંગ્લૅન્ડે પોતાને ક્લીન સ્વીપથી બચાવ્યું છે. પહેલી ઇનિંગ્સમાં ૧૫૨ રન કરનાર કાંગારૂઓએ બીજી ઇનિંગ્સમાં ૩૪.૩ ઓવરમાં ૧૩૨ રને ઑલઆઉટ થઈને બીજા દિવસે માત્ર ૧૭૫ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. પહેલા દાવમાં માત્ર ૧૧૦ રનની અંદર સમેટાઈ ગયેલા ઇંગ્લૅન્ડે ૩૨.૨ ઓવરમાં ૬ વિકેટે ૧૭૮ રન કરીને મેલબર્નમાં જીત નોંધાવી હતી. ૨૦૨૬ની ચોથીથી ૮ જાન્યુઆરી સુધી સિરીઝની અંતિમ મૅચ સિડનીમાં રમાશે.
બીજા દિવસની શરૂઆતમાં યજમાન ટીમે બીજી ઓવરમાં ૪-૦ના સ્કોરથી બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી. ૧૭ બૉલમાં ૬ રને સ્કૉટ બૉલૅન્ડ આઉટ થયો ત્યાર બાદ રેગ્યુલર ઓપનર ટ્રૅવિસ હેડે ૬૭ બૉલમાં ૪૬ રન કરીને ટીમની ઇનિંગ્સ સંભાળી હતી. જોકે તેના સિવાય માત્ર સ્ટૅન્ડ-ઇન-કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને ઑલરાઉન્ડર કૅમરન ગ્રીન જ ડબલ ડિજિટનો સ્કોર કરી શક્યા હતા. સ્ટીવ સ્મિથે ૩૯ બૉલમાં ૨૪ રનની ઇનિંગ્સ રમી હતી અને કૅમરન ગ્રીને ૨૯ બૉલમાં ૧૯ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર્સ બ્રાઇડન કાર્સે ૪ વિકેટ, બેન સ્ટોક્સે ૩ વિકેટ, જૉશ ટન્ગે બે વિકેટ અને ગસ ઍટકિન્સને એક વિકેટ લીધી હતી. 
મૅચની નિર્ણાયક ઇનિંગ્સમાં કાંગારૂ ફાસ્ટ બોલર્સ મિચલ સ્ટાર્ક, સ્કૉટ બૉલૅન્ડ અને જાય રિચર્ડસને ૨-૨ વિકેટ ઝડપી હતી. જોકે તેઓ મહેમાન ટીમને ટાર્ગેટ ચેઝ કરતાં રોકી શક્યા નહોતા. વર્તમાન ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડ માટે પહેલી વખત ૫૦+ રનની ભાગીદારી થઈ હતી. ઓપનર ઝૅક ક્રૉલીએ ૪૮ બૉલમાં ૩૭ રન, બૅન ડકેટે ૨૬ બૉલમાં ૩૪ રન કર્યા હતા. યંગ બૅટર જેકબ બેથલે ૪૬ બૉલમાં ૪૦ રનની ઇનિંગ્સ રમીને ટીમની જીત ઑલમોસ્ટ સુનિશ્ચિત કરી હતી.

મેલબર્ન ટેસ્ટ-મૅચ જોઈને ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે કહ્યું... પહેલા દિવસે ૨૦ વિકેટથી મને રાતે ઊંઘ ન આવી, શૉર્ટ ટેસ્ટ-મૅચ બિઝનેસ માટે સારી નથી હોતી



મેલબર્ન ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૨૦ વિકેટ પડી એ ઘટના પર ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના CEO ટૉડ ગ્રીનબર્ગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘એક ચાહક તરીકે જોવામાં ભલે એ મંત્રમુગ્ધ કરનારું, રોમાંચક અને મનોરંજક હોય. અમે સ્પષ્ટપણે ઇચ્છીએ છીએ કે ટેસ્ટ-ક્રિકેટ લાંબા સમય સુધી ચાલે. ટૂંકી ટેસ્ટ-મૅચ બિઝનેસ માટે ખરાબ હોય છે. હું બૅટ અને બૉલ વચ્ચે વધુ સારું સંતુલન ઇચ્છું છું. અમે પિચ તૈયાર કરવા માટે બિન-દખલગીરીનો અભિગમ અપનાવ્યો છે, પરંતુ જ્યારે તમે રમત પર આવી અસર જુઓ છો ત્યારે આ વિષય પર ચર્ચા કરતાં તમે પોતાની જાતને નહીં રોકી શકો. મને ગઈ કાલે રાતે સારી ઊંઘ આવી નહોતી.’ 
ટેસ્ટ-મૅચ બે દિવસમાં સમાપ્ત થવાથી બાકીના ખાલી દિવસમાં ટિકિટ-વેચાણ અને અન્ય વ્યવસાય ઠપ રહેતાં ક્રિકેટ બોર્ડને મોટું નુકસાન થાય છે. ટૉડ ગ્રીનબર્ગે સંકેત આપ્યો છે કે ટેસ્ટ-મૅચની પિચ મામલે ક્રિકેટ બોર્ડ પિચ તૈયાર કરવા મામલે ક્યુરેટર સાથે ચર્ચાઓ કરી શકે છે. 


ઑસ્ટ્રેલિયામાં છેલ્લે ૫૪૬૮ દિવસ પહેલાં ટેસ્ટ-મૅચ જીતી હતી ઇંગ્લૅન્ડે 

ઇંગ્લૅન્ડે ૫૪૬૮ દિવસ બાદ એટલે કે ૧૫ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-મૅચ જીત નોંધાવી છે. છેલ્લે અંગ્રેજ ટીમ આ દેશની ધરતી પર સિડની ટેસ્ટ-મૅચ દરમ્યાન જાન્યુઆરી ૨૦૧૧માં ટેસ્ટ-મૅચ જીતી હતી. ત્યાર બાદ હાલની મેલબર્ન ટેસ્ટ-મૅચ વચ્ચે રમાયેલી ૧૮ મૅચમાંથી યજમાન ઑસ્ટ્રેલિયા ૧૬ મૅચ જીત્યું હતું અને બાકીની બે મૅચ ડ્રૉ રહી હતી. 
ઑસ્ટ્રેલિયામાં પોતાની ૧૮ ટેસ્ટ-મૅચમાં જો રૂટ અને બેન સ્ટોક્સે પોતે રમેલી ૧૩ ટેસ્ટ-મૅચમાંથી પહેલી વખત જીત મેળવી છે. ઇંગ્લૅન્ડે આ દેશમાં જીત વગર સૌથી વધુ ૧૮ ટેસ્ટ-મૅચ રમવાના ન્યુ ઝીલૅન્ડના રેકૉર્ડની પણ બરાબરી કરી હતી. 


ઇંગ્લૅન્ડ સામે ૧૩૫ વર્ષ બાદ બે દિવસની ટેસ્ટ-મૅચ હાર્યું ઑસ્ટ્રેલિયા

૧૮૮૮થી ટેસ્ટ-ક્રિકેટમાં ૨૭ ટેસ્ટ-મૅચ માત્ર બે દિવસમાં સમાપ્ત થઈ છે જેમાં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની ૭ મૅચનો પણ સમાવેશ થાય છે. ઇંગ્લૅન્ડ સામે રમાયેલી બે દિવસની ટેસ્ટ-મૅચમાં ઑસ્ટ્રેલિયાની આ ચોથી હાર છે. છેલ્લે ૧૩૫ વર્ષ પહેલાં ૧૮૯૦માં ધ ઓવલની બે દિવસની ટેસ્ટ-મૅચ ઇંગ્લૅન્ડે જીતી હતી. એ પહેલાં  ૧૮૮૮માં ધ ઓવલ સ્ટેડિયમ અને મૅન્ચેસ્ટરમાં રમાયેલી બે દિવસની ટેસ્ટ-મૅચ પણ ઇંગ્લૅન્ડે જીતી હતી.

ઑસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ-મૅચમાં પહેલી વખત સ્પિનરોએ બોલિંગ નહીં કરી 

મેલબર્ન ટેસ્ટ-મૅચમાં બન્ને તરફથી સ્પિનરો દ્વારા ઝીરો ઓવર નોંધાઈ હતી. ઑસ્ટ્રેલિયામાં પહેલી વખત કોઈ સ્પિનરે બોલિંગ નથી કરી. આ પહેલાં ૧૯૮૪માં પર્થમાં વેસ્ટ ઇન્ડીઝ-ઑસ્ટ્રેલિયાની મૅચમાં સ્પિનર દ્વારા સૌથી ઓછા ૧૨ બૉલ ફેંકવામાં આવ્યા હતા. વર્તમાન સિરીઝની પર્થ ટેસ્ટ-મૅચમાં માત્ર ૧૮ બૉલ સ્પિનરોએ ફેંક્યા હતા. એ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. 

ઍશિઝમાં પાંચમી વખત ૧૦૦૦ બૉલની અંદર ટેસ્ટ-મૅચ પૂરી થઈ

ઍશિઝ ટેસ્ટ-સિરીઝમાં પાંચમી વખત કોઈ ટેસ્ટ-મૅચ ૧૦૦૦ બૉલની અંદર સમાપ્ત થઈ ગઈ હતી. ૧૮૮૮માં ઓલ્ડ ટ્રેફર્ડમાં ૭૮૮, ૧૮૮૮માં લૉર્ડ્‍સમાં ૭૯૨, ૧૮૯૫માં સિડનીમાં ૯૧૧, ૨૦૨૫માં સિડનીમાં ૮૪૭ અને મેલબર્નમાં ૬૫૨ બૉલમાં ટેસ્ટ-મૅચનું રિઝલ્ટ આવી ગયું હતું. 

WTC પૉઇન્ટ-ટેબલમાં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ પોતાના સ્થાને યથાવત્ રહ્યાં

મેલબર્ન ટેસ્ટ-મૅચના રિઝલ્ટ બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-’૨૭ના પૉઇન્ટ-ટેબલમાં બન્ને ટીમના સ્થાનમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. ૭ મૅચમાં ૬ જીત સાથે ઑસ્ટ્રેલિયા પહેલા સ્થાને અને ૯ મૅચમાંથી ૩ જીતને કારણે ઇંગ્લૅન્ડ સાતમા ક્રમે છે. કાંગારૂ ટીમ માટે ૭૨ પૉઇન્ટ યથાવત્ છે, પરંતુ વર્તમાન WTC સીઝનમાં પહેલી હારને કારણે પૉઇન્ટ ટકાવારી ૧૦૦થી ઘટીને ૮૫.૭૧ ટકા થઈ ગઈ છે. અંગ્રેજ ટીમના પૉઇન્ટ ૨૬થી વધીને ૩૮ થયા છે, જ્યારે પૉઇન્ટ ટકાવારી ૨૭.૦૮થી વધીને ૩૫.૧૯ થઈ છે. 

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2025 11:27 AM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK