ભાયખલા સ્ટેશને યુવકની આ છેતરપિંડી પકડાઈ ગઈ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ChatGPT પર બોગસ પાસ તૈયાર કરીને મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા બાવીસ વર્ષના આદિલ ખાનની CSMT ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ભાયખલા રેલવે સ્ટેશન પરથી અટકાયત કરી હતી. ગુરુવારે સાંજે ભાયખલામાં સામાન્ય ટિકિટ-ચેકિંગ વખતે આદિલે અનરિઝર્વ્ડ ટિકિટિંગ સિસ્ટમ (UTS) ઍપ્લિકેશન પરથી કાઢેલા મુંબ્રાથી CSMTના પાસનો ફોટો ટિકિટ-ચેકર (TC) કુણાલ સાવર્ડેકરને દેખાડ્યો હતો. એ પાસ જોતાં TCને શંકા ગઈ એ પછી તેમણે પૂછપરછ કરતાં પાસ બોગસ હોવાની ખાતરી થઈ હતી. એ પાસ ChatGPT પર તૈયાર કર્યો હોવાનું જણાતાં છેતરપિંડીના આરોપમાં આદિલ સામે પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી છે.
કેવી રીતે પકડાઈ ચોરી?
ADVERTISEMENT
CSMT GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સંભાજી કટારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે સાંજે ભાયખલા રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર TC મુસાફરોની ટિકિટ ચેક કરી રહ્યા હતા ત્યારે TCએ એક યુવકને ટિકિટ જોવા માટે અટકાવ્યો હતો. તેણે UTS ઍપ્લિકેશન પરથી કાઢેલા પાસનો ફોટો TCને દેખાડ્યો હતો. કાયદા મુજબ UTS ઍપ્લિકેશન પરથી કઢાવેલો પાસ એ ઍપ્લિકેશનની અંદર જ બતાવવાનો હોય છે એટલે TCએ યુવકને UTS ઍપ્લિકેશનમાં પાસ બતાવવાનું કહ્યું ત્યારે યુવકે UTS ઍપ્લિકેશન ડિલીટ થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. એ વખતે પાસનો ફોટો દેખાડનાર યુવક પર શંકા જતાં તેણે દેખાડેલા ફોટોપાસની ઝીણવટથી તપાસ કરી હતી. એ પછી ફોટોપાસ UTS ઍપ્લિકેશનની હેડ ઑફિસમાં મોકલીને ત્યાં ચેક કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એ બોગસ હોવાનું જણાયું હતું. અંતે યુવકને તાબામાં લઈને પૂછપૂછ કરતાં તેણે ChatGPT પર બોગસ પાસ તૈયાર કર્યો હોવાનું કહ્યું હતું. એ પછી રેલવે સાથે છેતરપિંડી કરવાનો કેસ આદિલ સામે નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તેની અટકાયત કરીને પછીથી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.’


