બીજી ટેસ્ટ માટે જો રૂટને બનાવવામાં આવ્યો કૅપ્ટન, જોફ્રા આર્ચરનો પણ થયો સમાવેશ...
નાઇટક્લબમાં ઝપાઝપીનો વિવાદ ભારે પડ્યો, કૅપ્ટન બેન સ્ટોક્સ અને ગસ ઍટકિન્સન ડ્રૉપ
બુધવારથી શરૂ થતી ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ-મૅચમાંથી અપેક્ષા પ્રમાણે ઇંગ્લૅન્ડે કૅપ્ટન બેન સ્ટોક્સ અને પેસ બોલર ગસ ઍટકિન્સનને ડ્રૉપ કરી દીધા છે. પ્રથમ ટેસ્ટ-મૅચમાં વિજય બાદ મોડી રાત્રે એક નાઇટક્લબમાંથી બહાર આવ્યા બાદ સ્ટોક્સ અને ઍટકિન્સનનો એક રગ્બી ખેલાડી સાથેના ઝઘડાનો વિડિયો વાઇરલ થયો હતો. ક્રિકેટ બોર્ડે આ મામલાને ગંભીરતાપૂર્વક લઈને તરત જ તપાસનો આદેશ આપી દીધો હતો. આ તપાસને લઈને જ બન્નેને બીજી ટેસ્ટની ૧૫ મેમ્બરની ટીમમાંથી ડ્રૉપ કરવામાં આવ્યા હતા. બીજી ટેસ્ટમાં કામચલાઉ કૅપ્ટન તરીકે જો રૂટને જવાબદારી સોંપવામાં આવી છે. ટીમમાં પેસ બોલર જોફ્રા આર્ચરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ચર્ચાઓ પ્રમાણે બેન સ્ટોક્સ આ બનાવ બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે અથવા તો થોડા સમય માટે બ્રેક લઈ લેશે.
જો રૂટને હટાવી હૅરી બ્રૂક બન્યો નંબર વન ટેસ્ટ-બૅટર
ગઈ કાલે જાહેર થયેલાં ટેસ્ટ રૅન્કિંગમાં બૅટિંગમાં ઇંગ્લૅન્ડના જો રૂટની બાદશાહત સમાપ્ત થઈ ગઈ હતી. છેલ્લા ઘણા સમયથી નંબર વન પર બિરાજમાન રૂટને હટાવીને તેના જ દેશના હૅરી બ્રૂક ટોચનું સ્થાન લઈ લીધું હતું. ન્યુ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં રૂટ માત્ર ૧ અને ૮ રન બનાવી શક્યો હતો. જ્યારે બ્રૂકે પહેલી ઇનિંગ્સમાં મહત્ત્વપૂર્ણ હાફ સેન્ચુરી ફટકારી હતી. રૂટ હવે પહેલા સ્થાનથી ગબડીને ત્રીજા નંબરે પહોંચી ગયો છે, જ્યારે ઑસ્ટ્રેલિયાનો ઓપનર ટ્રૅવિસ હેડ ત્રીજા પરથી બીજા સ્થાને પહોંચી ગયો હતો.
અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ-સેન્ચુરી ફટકારના શુભમન ગિલને પણ રૅન્કિંગમાં ફાયદો થયો છે અને તે બે સ્થાનના પ્રમોશન સાથે આઠમા ક્રમાંકે પહોંચી ગયો છે.
