લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ્સ અને ૧૦૩ રનથી હરાવી ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી. આર્ચર, ટન્ગ અને રૉબિન્સને ત્રણ-ત્રણ વિકેટ લીધી.
219 ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ આટલા કૅચ પકડનાર ફીલ્ડર બન્યો જો રૂટ. સ્ટીવ સ્મિથનો ૨૧૮ કૅચનો રેકૉર્ડ તોડ્યો.
લીડ્સમાં ગઈ કાલે પહેલી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસે પાકિસ્તાન સામે એક ઇનિંગ્સ અને ૧૦૩ રનથી જીત નોંધાવીને ઇંગ્લૅન્ડે ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી હતી. લંચ-બ્રેક બાદ ઇંગ્લૅન્ડના બોલિંગ-યુનિટના સપાટાને કારણે પાકિસ્તાની ટીમ તંબુભેગી થઈ ગઈ અને ટાર્ગેટ પણ સેટ કરી શકી નહોતી. પહેલી ઇનિંગ્સમાં પાકિસ્તાને ૧૭૧ રન અને ઇંગ્લૅન્ડે ૪૦૯ રન કર્યા હતા.
લંચ-બ્રેક સુધી બીજી ઇનિંગ્સમાં ૧૯ ઓવરની રમત દરમ્યાન ૫૯/૩નો સ્કોર કરનાર પાકિસ્તાન ૩૭.૩ ઓવરમાં ૧૩૫ રન કરીને ઑલઆઉટ થયું હતું. પાકિસ્તાન તરફથી બીજી ઇનિંગ્સમાં મોહમ્મદ રિઝવાને ૩૯ બૉલમાં ૪૧ રન અને શાન મસૂદે ૫૬ બૉલમાં ૨૯ રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ માટે ફાસ્ટ બોલર્સ જોફ્રા આર્ચર, જૉશ ટન્ગ અને ઑલી રૉબિન્સને ૩-૩ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો.
