મુંબઈમાં બુધવારે ૫૯૮ ક્વિન્ટલ ગોળની આવક થઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
હાલની સીઝનમાં વેપારીઓને ગોળનો સારો ભાવ મળી રહ્યો છે. સાકરના ભાવ વધવાને કારણે ગોળના ભાવ પણ ઊંચકાયા છે. મુંબઈમાં બુધવારે ૫૯૮ ક્વિન્ટલ ગોળની આવક થઈ હતી. ઓછામાં ઓછો ભાવ ૫૨૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને વધુમાં વધુ ભાવ ૬૮૦૦ પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. આમ ઍવરેજ ભાવ ૬૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો.
હાલ ગુજરાતના વેપારીઓના કોલ્ડ સ્ટોરેજમાં સ્ટૉક ઓછો છે. વળી તહેવારોની સીઝન આવી રહી હોવાથી માગણીમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. બુધવારે કોલ્હાપુર ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ગોળને ઍવરેજ કિવન્ટલ દીઠ (૧૦૦ કિલો દીઠ) ૬૫૦૦ રૂપિયાનો ભાવ મળ્યો હતો. આવનારા દિવસોમાં હજી ભાવ વધશે એવી શક્યતા વેપારીઓએ દર્શાવી છે. કોલ્હાપુરમાં ગોળ તૈયાર કરનારાં યુનિટો હાલમાં ઓછું ઉત્પાદન કરી રહ્યાં છે, એનું પરિણામ પણ ગોળના ભાવ પર જોવા મળ્યું છે. હોલસેલ માર્કેટમાં હાલ ૬૫૦૦થી ૭૦૦૦ પ્રતિ ક્વિન્ટલ ગોળ વેચાઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં જ પ્રતિ ક્વિન્ટલમાં ૧૨૦૦ રૂપિયાનો ભાવવધારો થયો છે. કોલ્હાપુર જિલ્લામાં ગોળનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું હોવાથી હાલ દર એકાંતરે ગોળના સોદા પાર પાડવામાં આવી રહ્યા છે.
