બેન ડકેટના ૧૩૩ રનની મદદથી ઇંગ્લૅન્ડે ૩૨૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો, નિર્ણાયક વન-ડે મૅચમાં ઑસ્ટ્રેલિયા ૨૩૧ રને ઑલઆઉટ થયું.
વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ઇંગ્લૅન્ડના પ્લેયર્સ
ઇંગ્લૅન્ડે કાંગારૂઓ સામે ઑસ્ટ્રેલિયાની ધરતી પર ૮ વર્ષ પછી અને ઓવરઑલ બીજી દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતી લીધી છે. પર્થમાં ૭ વિકેટની હાર પછી ઇંગ્લૅન્ડે ઍડીલેડમાં ૧૩૫ રન અને હવે હૉબાર્ટમાં ૯૭ રનની જીત મેળવીને સિરીઝ ૨-૧થી પોતાને નામે કરી હતી. પહેલી વખત ઑસ્ટ્રેલિયા સતત બે વન-ડે મૅચમાં ૯૦ પ્લસ રનથી હાર્યું છે.
હૉબાર્ટમાં ગઈ કાલે નિર્ણાયક ત્રીજી વન-ડે મૅચમાં ઇંગ્લૅન્ડે ૪૮.૩ ઓવરમાં ૩૨૮-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં ઑસ્ટ્રેલિયા ૪૬.૫ ઓવરમાં ૨૩૧ રને ઑલઆઉટ થયું હતું. છેલ્લી ત્રણ વન-ડે સિરીઝથી ઇંગ્લૅન્ડ આ હરીફ સામે હારી રહ્યું હતું. પહેલી જ વખત આ હરીફ સામે ઇંગ્લૅન્ડ શરૂઆતની વન-ડે મૅચ હાર્યા પછી સિરીઝ જીતવામાં સફળ રહ્યું છે.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડે ૧૯૫ રનમાં જ અડધા પ્લેયર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર બેન ડકેટે ૧૧૫ બૉલમાં ૧૫ ફોર, ૩ સિક્સની મદદથી ૧૩૩ રન અને વિલ જૅક્સે ૪ ફોર, ૧ સિક્સના સહારે ૫૯ રન કર્યા હતા.
રન-ચેઝ દરમ્યાન કાંગારૂઓએ ૧૧૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. મૅટ રેનશૉએ ૭૦ બૉલમાં પંચાવન રનનું મોટું યોગદાન આપ્યું હતું.
