યશસ્વી જાયસવાલ અને શ્રેયસ ઐયર સસ્તામાં આઉટ થયા
નારાયણ જગદીસન, ઋતુરાજ ગાયકવાડ
ગઈ કાલે બૅન્ગલોર સ્થિત સેન્ટર ઑફ એક્સલન્સમાં સાઉથ vs નૉર્થ અને વેસ્ટ vs સેન્ટ્રલ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની સેમી ફાઇનલ મૅચ શરૂ થઈ હતી. સેમી ફાઇનલના પહેલા જ દિવસે વેસ્ટ ઝોનના ઋતુરાજ ગાયકવાડ (૨૦૬ બૉલમાં ૧૮૪ રન) અને સાઉથ ઝોનના નારાયણ જગદીસન (૨૬૦ બૉલમાં ૧૪૮ રન અણનમ)એ સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. T20 એશિયા કપ 2025 બાદ વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનારી ટેસ્ટ-સિરીઝ માટેના સિલેક્શનને ધ્યાનમાં રાખીને દુલીપ ટ્રોફી મહત્ત્વપૂર્ણ સાબિત થશે. સ્ટાર વેસ્ટ ઝોન માટે રમતા સ્ટાર પ્લેયર્સ યશસ્વી જાયસવાલ (ત્રણ બૉલમાં ચાર રન) અને શ્રેયસ ઐયર (૨૮ બૉલમાં ૨૫ રન) પાસેથી સારા પ્રદર્શનની આશા હતી, પરંતુ પહેલા જ દિવસે બન્ને સસ્તામાં આઉટ થયા હતા.
સાઉથ vs નૉર્થ ઝોન : ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરીને સાઉથ ઝોને સેમી ફાઇનલના પહેલા દિવસે ૮૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૨૯૭ રન કર્યા હતા. ૧૩ ફોર અને બે સિક્સર ફટકારનાર નારાયણ જગદીસનની ૧૪૮ રનની અણનમ ઇનિંગ્સ અને દેવદત્ત પડિક્કલ (૭૧ બૉલમાં ૫૭ રન)ના ફિફ્ટીની મદદથી ટીમ આ સ્કોર કરી શકી હતી.
ADVERTISEMENT
વેસ્ટ vs સેન્ટ્રલ ઝોન : ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં સ્ટાર પ્લેયર્સવાળી વેસ્ટ ઝોન ટીમે ૮૭ ઓવરમાં ૬ વિકેટે ૩૬૩ રન ફટકાર્યા હતા. લાંબા સમય બાદ મોટી ઇનિંગ્સ રમીને ઋતુરાજ ગાયકવાડે પચીસ ફોર અને એક સિક્સરની મદદથી ૧૮૪ રન કર્યા હતા. આજે તનુષ કોટિયન (૧૨૧ બૉલમાં ૬૫ રન) અને કૅપ્ટન શાર્દૂલ ઠાકુર (૫૦ બૉલમાં ૨૪ રન) બીજા દિવસે ઇનિંગ્સને આગળ વધારશે. કૅપ્ટન રજત પાટીદારની સેન્ટ્રલ ઝોન ટીમ માટે ફાસ્ટ બોલર ખલીલ અહમદ (૭૦ રનમાં બે વિકેટ)એ સ્ટાર પ્લેયર્સ યશસ્વી જાયસવાલ અને શ્રેયસ ઐયરને આઉટ કર્યા હતા.


