ક્રિકેટ ૧૨૮ વર્ષ બાદ ઑલિમ્પિકમાં વાપસી કરી રહ્યું છે
રિકી પૉન્ટિંગ
ગયા વર્ષે ઑક્ટોબરમાં ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC)એ મુંબઈમાં ૧૪૧મા સત્ર દરમ્યાન ૨૦૨૮ ઑલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશની સત્તાવાર પુષ્ટિ કરી હતી. ક્રિકેટ ૧૨૮ વર્ષ બાદ ઑલિમ્પિકમાં વાપસી કરી રહ્યું છે. આ પહેલાં ૧૯૦૦ ઑલિમ્પિકમાં બે ટીમ, ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે માત્ર ક્રિકેટ રમાઈ હતી. એનો ગોલ્ડ મેડલ બ્રિટિશ ટીમે જીત્યો હતો.
ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન રિકી પૉન્ટિંગે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ રિવ્યુમાં કહ્યું હતું કે ‘આ અમારી રમત માટે સકારાત્મક બાબત છે. હું છેલ્લાં ૧૫ કે ૨૦ વર્ષથી વિવિધ સમિતિઓનો ભાગ રહ્યો છું. દરેક વખતે ચર્ચા થઈ કે આપણે ક્રિકેટની જગ્યા ઑલિમ્પિકમાં કેવી રીતે પાછી મેળવી શકીએ? અને છેવટે, એ થઈ રહ્યું છે. એ માત્ર ચાર વર્ષ દૂર છે. મને લાગે છે કે આનાથી ક્રિકેટને અમેરિકામાં ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચવાની તક પણ મળશે. ઑલિમ્પિક ગેમ્સને વિશ્વભરના ઘણા લોકો જોઈ રહ્યા છે, તે અમારી રમતને નવા પ્રેક્ષકો સુધી પહોંચાડશે. આ રમત માટે ખરેખર સકારાત્મક બાબત હોઈ શકે છે.’