અમદાવાદની કૉન્સર્ટમાં કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિને જસપ્રીત બુમરાહની હાજરીમાં તેના માટે બનાવ્યું ઑન ધ સ્પૉટ ગીત
ક્રિસ માર્ટિનનું ગીત સાંભળીને જસપ્રીત બુમરાહ મલકી ઊઠ્યો હતો.
મુંબઈમાં ધમાલ મચાવીને અમદાવાદ પહોંચેલા બ્રિટિશ રૉક બૅન્ડ કોલ્ડપ્લેએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ફૅન્સને શાનદાર સાંજનો અનુભવ કરાવ્યો હતો. મુંબઈના એક કોલ્ડપ્લે કૉન્સર્ટમાં મુખ્ય સિંગર ક્રિસ માર્ટિને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો ઉલ્લેખ કર્યો હતો. ૨૬ જાન્યુઆરીએ અમદાવાદના લોકલ બૉય જસપ્રીત બુમરાહે કૉન્સર્ટમાં હાજરી આપીને એ શોને હંમેશ માટે યાદગાર બનાવી દીધો હતો. મમ્મી સાથે સ્ટેડિયમમાં હાજર રહેલા જસપ્રીતે પોતાના ઑટોગ્રાફવાળી ટેસ્ટ-ક્રિકેટની જર્સી આ બૅન્ડને ગિફ્ટ કરી હતી જે કૉન્સર્ટ દરમ્યાન સ્ટેજ પર જોવા મળી હતી.
બિગ સ્ક્રીન પર બુમરાહને દેખાડતાં જ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બુમરાહ... બુમરાહ…ના નારાથી ગૂંજી ઊઠ્યું હતું. કોલ્ડપ્લેના મુખ્ય સિંગર ક્રિસ માર્ટિને આ ભારતીય ફાસ્ટ બોલર માટે ખાસ પંક્તિઓ સમર્પિત કરતાં ગાયું હતું કે જસપ્રીત… માય બ્યુટિફુલ બ્રધર… ધ બેસ્ટ બોલર ઇન ધ હોલ ઑફ ક્રિકેટ… વી ડૂ નૉટ એન્જૉય વૉચિંગ યુ ડિસ્ટ્રોય ઇંગ્લેન્ડ વિથ વિકેટ આફટર વિકેટ. ત્યાર બાદ 2024ની ભારતમાં આયોજિત ઇંગ્લૅન્ડની ટેસ્ટ-સિરીઝનો વિડિયો બિગ સ્ક્રીન પર દેખાડવામાં આવ્યો હતો જેમાં જસપ્રીત બુમરાહ ઇંગ્લૅન્ડની બૅટિંગ લાઇન-અપને ધરાશાયી કરતો જોવા મળ્યો હતો.


