Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેન્નઈ ચોથી વાર ચૅમ્પિયન

ચેન્નઈ ચોથી વાર ચૅમ્પિયન

16 October, 2021 07:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધોનીના ધુરંધરોએ કલકત્તાની ટીમને ધૂળચાટતી કરી દીધી : ચેન્નઈના ડુ પ્લેસીના ૮૬ રન પછી બોલરોએ બોલાવ્યો સપાટો

ચેન્નઈ ચોથી વાર ચૅમ્પિયન

ચેન્નઈ ચોથી વાર ચૅમ્પિયન


ભારતીય ક્રિકેટ તથા આઇપીએલના લેજન્ડરી કૅપ્ટન-વિકેટકીપર-બૅટર મહેન્દ્ર સિંહ ધોનીના સુકાનમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગઈ કાલે દુબઈમાં કલકત્તા નાઇટ રાઇડર્સને હરાવીને ૨૦૨૧ની સ્પર્ધાનું ટાઇટલ જીતી લીધું હતું. ચેન્નઈની ટીમે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી ટીમને ચોથું ટાઇટલ અપાવ્યું હતું. ૯ વખત ફાઇનલમાં પહોંચીને ચેન્નઈએ ચાર વાર ચૅમ્પિયનપદ હાંસલ કર્યું છે. હવે મુંબઈ ઇન્ડિયન્સ (પાંચ ટાઇટલ)થી એક ડગલું પાછળ છે.
કલકત્તાની ટીમ ૧૯૩ રનના લક્ષ્યાંક સામે મૅચને થોડી રોમાંચક બનાવ્યા બાદ ૯ વિકેટે ૧૬૫ રન બનાવી શકી હતી અને ચેન્નઈનો ૨૭ રનથી વિજય થયો હતો. એ સાથે ચેન્નઈએ ૨૦૧૨ની ફાઇનલની હારનો કલકત્તા સામે બદલો લઈ લીધો હતો. કલકત્તા વતી શુભમન ગિલ (૫૧ રન) અને વેન્કટેશ ઐયરે (૫૦ રન) સૌથી સારું પર્ફોર્મ કર્યું હતું.


ફૅફ ડુ પ્લેસી (૮૬ રન, ૫૯ બૉલ, ૩ સિક્સર, ૭ ફોર) ચેન્નઈની જીતનો સુપરહીરો હતો. કલકત્તાની ઇનિંગ્સમાં ચેન્નઈ માટે ખાસ કરીને શાર્દુલ ઠાકુર અને રવીન્દ્ર જાડેજાની ઓવર ટર્નિંગ સાબિત થઈ હતી. બ્રાવોની ૧૮મી ઓવર ખર્ચાળ રહ્યા પછી ૨૦મી ઓવર (જેમાં કલકત્તાએ ૩૧ રન બનાવવાના હતા) વિનિંગ નીવડી હતી. શાર્દુલે સૌથી વધુ ત્રણ, જાડેજા અને હેઝલવુડે બે-બે અને બ્રાવો તથા દીપક ચાહરે એક-એક વિકેટ લીધી હતી.

વેન્કટેશને ધોનીના હાથે જીવતદાન
કલકત્તાએ ૧૯૩ રનનો ટાર્ગેટ મળ્યા પછી ધીમી શરૂઆત કરી હતી. વિકેટકીપર ધોનીથી કલકત્તાને બૅટિંગમાં શરૂઆતમાં જ હાશકારો મળી ગયો હતો. બીજી ઓવર હેઝલવુડે કરી હતી જેના ત્રીજા બૉલમાં વેન્કટેશનો ધોનીએ કૅચ છોડ્યો હતો. બૉલ ધોનીન ગ્લવને વાગીને નીચે પડ્યો હતો. જોકે એ પહેલાં શુભમન ગિલે દીપક ચાહરની પ્રારંભિક 

ઓવરના બીજા જ બૉલમાં ચોક્કો મારીને ધમાકેદાર શરૂઆત કરી હતી. કલકત્તાએ ૨૦૧૪ની આઇપીએલ ફાઇનલમાં પંજાબ સામે ૨૦૦ રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો હતો એટલે તેમને માટે અહીં ૧૯૩ રનનો લક્ષ્યાંક શક્ય તો હતો જ. જેમ ચેન્નઈની ઇનિંગ્સમાં ગાયકવાડ અને ડુ પ્લેસીએ મજબૂત આરંભ કર્યો હતો એમ કલકત્તાને ગિલ અને વેન્કટેશે સંતોષકારક શરૂઆત કરાવી આપી હતી. આનો એક પુરાવો એ હતો કે કૅપ્ટન ધોનીએ શરૂઆતની સાત ઓવરમાં ચાર બોલર (ચાહર, હેઝલવુડ, શાર્દુલ, બ્રાવો)ને અજમાવવા પડ્યા હતા.
ઠાકુરની ધમાકેદાર ઓવર
શાર્દુલ ઠાકુરે જે ૧૧મી ઓવર કરી હતી એમાં મોટું પરિવર્તન આવી ગયું હતું. તેણે કલકત્તાના ઇન-ફૉર્મ બૅટર વેન્કટેશ ઐયર (૫૦ રન, ૩૨ બૉલ, પાંચ ફોર, ત્રણ સિક્સર)ને જાડેજાના હાથમાં ઝિલાવ્યો હતો અને એક ડૉટ બૉલ બાદ નીતિશ રાણા (ઝીરો)ને ડુ પ્લેસીના હાથમાં કૅચઆઉટ કરાવીને મૅચમાં ટર્ન લાવી દીધો હતો. શાર્દુલે એ સાથે, ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં પોતાના સમાવેશને યોગ્ય ઠરાવ્યું હતું.
જાડેજાની ફરી કમાલ
આઇપીએલના સર્વશ્રેષ્ઠ કહી શકાય એવા ફીલ્ડર રવીન્દ્ર જાડેજાએ મિડવિકેટ પર પાછળ દોડીને સુનીલ નારાયણનો અફલાતૂન કૅચ પકડીને હેઝલવુડને બહુમૂલ્ય વિકેટ અપાવી હતી. કુલ આઠ બૉલમાં પડેલી ત્રણ વિકેટથી કલકત્તાની ટીમ તૂટી ગઈ હતી.૧૪મી ઓવર દીપક ચાહરે કરી હતી જેમાં તેણે ઓપનર શુભમન ગિલ (૫૧ રન, ૪૩ બૉલ, ૬ ફોર)ની વિકેટ લઈને કલકત્તાની ટીમની એક પાંખ કાપી નાખી હતી. દિનેશ કાર્તિકે આવતાવેંત ચાહરના બૉલમાં છગ્ગો ફટકાર્યો હતો, પરંતુ તેને જાડેજાએ વધુ નહોતો ટકવા દીધો. જાડેજાએ તેને તેના ૯ રનના જ સ્કોર પર રાયુડુના હાથમાં ઝિલાવી દીધો હતો. શાકિબને પણ જાડેજાએ એલબીડબ્લ્યુ કરીને પૅવિલિયનભેગો કરાવ્યો હતો.કલકત્તાની આ છઠ્ઠી વિકેટ પડી ત્યારે ૧૫ ઓવરમાં સ્કોર ૧૨૦ રન હતો અને કૅપ્ટન મૉર્ગને સામા છેડા પરથી વિકેટો પડતી જોઈ હતી.
ગાયકવાડની ફટકાબાજી
કલકત્તાએ મૅચ-રેફરી જાવાગલ શ્રીનાથની હાજરીમાં ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. બન્ને ટીમે અગાઉની જ ટીમ રાખી હતી. ધોનીએ કહ્યું હતું કે હું ટૉસ જીત્યો હોત તો મેં પણ ફીલ્ડિંગ પસંદ કરી હોત. જોકે આઠ આઇપીએલ ફાઇનલના અનુભવી ચેન્નઈએ આ નવમી ફાઇનલમાં આક્રમક શરૂઆત કરી હતી. ફૅફ ડુ પ્લેસી સાથે ઋતુરાજ ગાયકવાડે જે રીતે ફટકાબાજીથી આરંભ કર્યો, શાકિબની પહેલી જ ઓવરમાં ફોર ફટકારી અને પાંચમી ઓવરમાં સ્પર્ધાના હાઇએસ્ટ રન બદલ કે. એલ. રાહુલ (કુલ ૬૨૬ રન)ના કબજામાંથી ઑરેન્જ કૅપ લઈ લીધી એના પરથી લાગતું હતું કે મૉર્ગને ટૉસ જીતીને ચેન્નઈને બૅટિંગ આપવાની ભૂલ કરી.
ડુ પ્લેસીને જીવતદાન
ગાયકવાડના શૉટ્સ જોઈને સાથી-ઓપનર ફૅફ ડુ પ્લેસીને પણ ફટકાબાજીની ઇચ્છા થઈ આવી હતી અને તેણે પણ કલકત્તાના બોલરોની ધુલાઈ કરવાની શરૂઆત કરી હતી. એ પહેલાં ત્રીજી ઓવરમાં શાકિબના પહેલા બૉલમાં દિનેશ કાર્તિકે ડુ પ્લેસીને સ્ટમ્પ-આઉટ કરવાનો મોકો ગુમાવ્યો હતો. ત્યારે લાગતું હતું કે ‘ગેમ ચૅન્જિંગ મોમેન્ટ’ બની શકે. જોકે નવમી ઓવરમાં નારાયણે ગાયકવાડને પોતાના પહેલા જ બૉલમાં ગૂંચવી નાખ્યો હતો જેમાં શિવમ માવીના હાથમાં ગાયકવાડ પોતાના ૩૨ રનના સ્કોર પર કૅચ આપી બેઠો હતો. ગાયકવાડે ત્રણ ફોર અને એક સિક્સર ફટકારી હતી અને ૬૩૫ રન સાથે નંબર-વન બૅટર તરીકે આઇપીએલની ઇનિંગ્સ પૂરી કરી હતી. એ સાથે ડુ પ્લેસી સાથે ઇન-ફૉર્મ બૅટર તથા ૨૦૧૪માં કલકત્તાને ટાઇટલ અપાવવામાં સારી ભૂમિકા ભજવનાર રૉબિન ઉથપ્પા જોડાયો હતો અને રનમીટરની ઝડપી ગતિ જાળવી રાખી હતી.
ઉથપ્પાને પણ મળી લાઇફ
૧૨મી ઓવરમાં રૉબિન ઉથપ્પાને જીવતદાન મળ્યું હતું. સુનીલ નારાયણે પોતાના જ બૉલમાં તેનો વળતો કૅચ છોડ્યો હતો. ઉથપ્પા ત્યારે ૧૪ રન પર હતો. ઉથપ્પાએ એનો ફાયદો ઉઠાવીને પછીની વરુણ ચક્રવર્તીની ઓવર (કુલ ૧૩મી ઓવર)માં ડીપ મિડવિકેટ પરથી બૉલને સીધો સ્ટૅન્ડમાં પહોંચાડી દીધો હતો.પછીની નારાયણની ઓવરમાં ઉથપ્પાએ છગ્ગો ફટકાર્યો ત્યારે એક સ્ટૅન્ડમાં તેના એક ચાહકે મોકો જોઈને ‘ઉથપ્પા ઇઝ અવર કટપ્પા’નું બૅનર બતાવ્યું હતું. જોકે વખાણેલી ખીચડી દાઢે વળગી. ઉથપ્પાને નારાયણે એલબીડબ્લ્યુ કરી નાખ્યો. ઉથપ્પાએ ડીઆરએસની મદદ લીધી, પણ થર્ડ અમ્પાયરે ઑન-ફીલ્ડ અમ્પાયર નીતિન મેનનના નિર્ણયને સાચો ગણાવતાં ઉથપ્પાએ ૩૧ રનના પોતાના સન્માનજનક સ્કોર સાથે ચાલતી પકડી હતી.
ડુ પ્લેસી ૬૦૦-પ્લસની ક્લબમાં
ઉથપ્પાની વિકેટ બાદ ડુ પ્લેસી સાથે મોઇન અલી જોડાયો હતો, પરંતુ રનમશીન થોડી ક્ષણ માટે ધીમું પડી ગયું હતું. ચેન્નઈના સ્ટાર-બૅટર વેન્કટેશ ઐયરે પોતાની પહેલી જ ઓવરમાં માત્ર પાંચ રન આપ્યા હતા. જોકે ડુ પ્લેસી એ ઓવરમાં આ સ્પર્ધામાં ૬૦૦-પ્લસ રન બનાવનાર રાહુલ અને ગાયકવાડની ક્લબમાં જોડાયો હતો.
ગાયકવાડ યંગેસ્ટ ઑરેન્જ કૅપધારક
જોકે ગાયકવાડ ૬૩૫ રન સાથે મોખરે રહ્યો હતો. તે ઑરેન્જ કૅપ લેનાર આઇપીએલનો યંગેસ્ટ પ્લેયર (૨૪ વર્ષ, ૨૫૭ દિવસ) બન્યો. તે મનોમન કદાચ ખુશ થતો હશે, કારણ કે તેની જ ટીમનો ડુ પ્લેસી ૬૩૩ રન સાથે તેનાથી બે રન માટે પાછળ રહી ગયો હતો. હા, અત્યાર સુધી ૬૨૬ રન સાથે અવ્વલ રહેલો રાહુલ ત્રીજા નંબરે પહોંચી ગયો હતો.
ચેન્નઈનો ૧૯૨/૩નો તોતિંગ સ્કોર
ચેન્નઈના બૅટર્સ જબરદસ્ત ફૉર્મમાં હતા. ટોચના માત્ર ચાર બૅટર્સે ટીમને ૧૯૨/૩નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો. ચારેય બૅટર્સ સારું રમ્યા હતા. ડુ પ્લેસીએ ૮૬ રન, મોઇન અલીએ અણનમ ૩૭, ગાયકવાડે ૩૨ અને ઉથપ્પાએ ૩૧ રન બનાવ્યા હતા. કલકત્તા વતી નારાયણે ૨૬ રનમાં બે અને શિવમ માવીએ ૩૧ રનમાં એક વિકેટ લીધી હતી. શાકિબને ૩૩ રનમાં, લૉકી ફર્ગ્યુસનને ૫૬ રનમાં, વરુણ ચક્રવર્તીને ૩૮ રનમાં અને વેન્કટેશ ઐયરને પાંચ રનમાં એકેય વિકેટ નહોતી મળી શકી. 

ચેન્નઈ સુપર કિંગ્સ આઇપીએલના ત્રણેય દાયકામાં ઓછામાં ઓછું એક ટાઇટલ જીતનારી પહેલી ટીમ બની છે.

‘કૅપ્ટન’ ધોનીની ૩૦૦મી ટી૨૦ મૅચનો વિક્રમ

આઇપીએલની ગઈ કાલની ફાઇનલ મૅચ મહેન્દ્ર સિંહ ધોનીની કૅપ્ટન તરીકે ૩૦૦મી ટી૨૦ મૅચ હતી જે વિક્રમ છે. તેણે કહ્યું, ૅઆટલા બધા લાંબા સમય સુધી મને ભારતની ટીમનું અને ચેન્નઈની ટીમનું નેતૃત્વ સંભાળવા મળ્યું એ બદલ મને ખૂબ ગમ્યું.’
૨૦૦૭ના સૌપ્રથમ ટી૨૦ વર્લ્ડ કપનો આ ચૅમ્પિયન-કૅપ્ટન આઇપીએલ ઉપરાંત ચૅમ્પિયન્સ લીગ ટી૨૦, એશિયા કપ, ટી૨૦ વર્લ્ડ કપ મૅચો તેમ જ દ્વિપક્ષી મૅચોમાં પણ સુકાન સંભાળી ચૂક્યો છે. ભારત વતી તે ૭૨ ટી૨૦માં કૅપ્ટન હતો જેમાંથી ૪૧માં ભારતની જીત થઈ હતી અને ૨૮માં પરાજય થયો હતો. આઇપીએલમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ મૅચ જીતવાનો વિક્રમ ધોનીના નામે છે.
સુકાની તરીકે સૌથી વધુ ધોનીની ૩૦૦ મૅચ બાદ બીજા નંબરે ડૅરેન સૅમી (૨૦૮) અને ત્રીજા નંબરે વિરાટ કોહલી (૧૮૫) છે. ચોથે ગૌતમ ગંભીર (૧૭૦) અને પાંચમે રોહિત શર્મા (૧૫૩) છે. ટૂંકમાં, ટોચના પાંચ કૅપ્ટનોમાંથી ચાર ભારતના છે.

હેડનની આગાહી સાચી પડી

 કલકત્તા પ્લે-ઑફની બન્ને મૅચમાં ટાર્ગેટ ચેઝ કરીને જીત્યું હતું. ક્વૉલિફાયર-ટૂમાં દિલ્હી સામે ૩ વિકેટે અને એ પહેલાં એલિમિનેટરમાં બૅન્ગલોર સામે ૪ વિકેટે જીત્યું હતું.
 અગાઉ ૨૦૧૨ની આઇપીએલ ફાઇનલમાં ચેન્નઈના ૧૯૦/૩ના સ્કોરને કલકત્તાએ બે બૉલ બાકી રાખીને ૧૯૨/૫ના સ્કોર સાથે ચેઝ કરી લીધો હતો.શકીબ અને સુનીલ નારાયણ કલકત્તાના એવા બે પ્લેયરો છે જેઓ આ ટીમની ત્રણેય ફાઇનલમાં રમ્યા. અગાઉ ૨૦૧૪માં પંજાબ સામે અને ૨૦૧૨માં ચેન્નઈ સામે. મૅથ્યૂ હેડને મૅચ પહેલાં કહ્યું, દુબઈની બૅટિંગ પિચ પર બૅટર્સને વધુ મોજ માણવા મળશે અને એ જોતાં આ ફાઇનલમાં પ્રથમ બૅટિંગ કરવી કોઈ પણ ટીમ માટે ફાયદાકારક નીવડી શકે.’
 સાતમી ઓવરમાં કલકત્તાનો રાહુલ ત્રિપાઠી પગના સ્નાયુઓના દુખાવાને કારણે મેદાનની બહાર જતો રહ્યો હતો અને ફિઝિયો પાસે પહોંચી ગયો હતો. તેના સ્થાને નાગરકોટી સબસ્ટિટ્યૂટ તરીકે આવ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

16 October, 2021 07:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK