આ ટુર્નામેન્ટમાં કાંગારૂ ટીમની છેલ્લી આઠમાંથી ચાર મૅચ રહી અનિર્ણિત
વરસાદે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની મૅચની મજા બગાડી હતી.
રાવલપિંડીમાં ગઈ કાલે ચૅમ્પિયન્સ ટ્રોફીની સાતમી મૅચ સતત ઝરમર વરસાદને કારણે રદ થઈ હતી. આ ટુર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે થનારી પહેલવહેલી ટક્કરમાં એક પણ બૉલ ફેંકવાની વાત તો દૂર રહી, ટૉસ પણ થઈ શક્યો નહોતો. બપોરે બે વાગ્યે ટૉસ થવાના સમયથી ત્રણ કલાક ૧૦ મિનિટ પછી સાંજે ૫.૧૦ વાગ્યે મૅચ ઝરમર વરસાદ અને ભીના આઉટ-ફીલ્ડને કારણે રદ જાહેર કરવી પડી હતી. વન-ડે મુકાબલામાં ૨૦-૨૦ ઓવરની મૅચ રમાડવા માટેનો કટ-ઑફ સમય સાંજે ૭.૩૨ વાગ્યાનો હતો, પરંતુ હવામાનમાં કોઈ સુધારો ન થતાં અધિકારીઓએ ખૂબ વહેલો નિર્ણય લીધો.
૨૦૦૯માં સતત બીજી વાર ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનાર ઑસ્ટ્રેલિયાએ આ ટુર્નામેન્ટમાં છેલ્લી આઠમાંથી ચોથી મૅચમાં આવી સ્થિતિનો સામનો કર્યો જેમાં મૅચ રદ થઈ છે અથવા નો-રિઝલ્ટ રહ્યું છે. કાંગારૂ ટીમ આ દરમ્યાન ત્રણ મૅચ હારી પણ હતી અને માત્ર હાલમાં ઇંગ્લૅન્ડ સામે ઐતિહાસિક રન-ચેઝ કરીને મૅચ જીતી છે. ઇંગ્લૅન્ડ અને અફઘાનિસ્તાન બન્નેને અંતિમ ચારમાં પહોંચવા માટે તેમની બન્ને મૅચ જીતવાની જરૂર છે. આગામી શુક્રવારે ઑસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન અને શનિવારે સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડ વચ્ચેની એક-એક મૅચ વર્ચ્યુઅલ ક્વૉર્ટર-ફાઇનલ બની શકે છે.


