અક્ષર પટેલે દિલ્હીની બીજી ટેસ્ટ-મૅચમાં સ્વીપ શૉટ મારવાનું ટાળ્યું, પણ બીજા દાવમાં સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઑસ્ટ્રેલિયાના બૅટર્સને સ્વીપની જાળમાં ફસાવીને ૭ વિકેટ લીધી

જાડેજાએ દિલ્હી ટેસ્ટના બીજા દાવમાં ૪૨ રનમાં ૭ વિકેટ લઈને કરીઅર-બેસ્ટ ઇનિંગ્સ-પર્ફોર્મન્સ આપ્યો. તસવીર પી.ટી.આઇ. અને અક્ષર પટેલે પહેલા દાવમાં ૩ સિક્સર, ૯ ફોરની મદદથી ૭૪ રન બનાવ્યા હતા.
રવિવારે ત્રીજા દિવસે પૂરી થયેલી સિરીઝની બીજી ટેસ્ટમાં ભારતની સ્પિનિંગ ત્રિપુટી (જાડેજા, અશ્વિન, અક્ષર) ૨૦માંથી ૧૬ વિકેટ લેવામાં સફળ થઈ હતી, જ્યારે એ જ પિચ પર ઑસ્ટ્રેલિયાના સ્પિનર્સ (લાયન, મર્ફી, કુનેમન) ૧૨ વિકેટ લઈ શક્યા હતા અને ભારતે ૬ વિકેટના તફાવતથી વિજય મેળવ્યો એની પાછળનું મોટું રહસ્ય એ હતું કે ભારતીય સ્પિનર્સે ઑસ્ટ્રેલિયાના બૅટર્સને બરાબરના સ્વીપ શૉટ મારવાની લાલચમાં ફસાવ્યા હતા. ખાસ કરીને રવીન્દ્ર જાડેજા (૨૧-૨-૬૮-૩ અને ૧૨.૧-૧-૪૨-૭) કાંગારૂઓ માટે સૌથી મોટો ખતરો બન્યો હતો. રવિચન્દ્રન અશ્વિન (૨૧-૪-૫૭-૩ અને ૧૬-૩-૫૯-૩) મૅચમાં ભારતનો સેકન્ડ-બેસ્ટ બોલર હતો અને અક્ષર પટેલ (૧૨-૨-૩૪-૦ અને ૧-૦-૨-૦)ને વિકેટ નહોતી મળી, પરંતુ તેણે ઑસ્ટ્રેલિયન બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા.
દિલ્હીની સ્પિન-ફ્રેન્ડ્લી પિચ પર શૉટ સિલેક્શન સૌથી મહત્ત્વના હતા અને એમાં ભારત કરતાં ઑસ્ટ્રેલિયાના ટોચના બૅટર્સ થાપ ખાઈ ગયા હતા. બે લેફ્ટ-આર્મ સ્પિનર જાડેજા અને અક્ષરે espncricinfo.comને ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ‘દિલ્હીની પિચ પર નીચા બાઉન્સ છતાં સ્વીપ શૉટને મુખ્ય શસ્ત્ર બનાવવાની ઑસ્ટ્રેલિયન બૅટર્સે મોટી ભૂલ કરી હતી. અમે ‘સ્ટ્રેઇટ બૅટ ઇન ફ્રન્ટ ઑફ ધ પૅડ’ની નીતિ અપનાવી હતી.’
જાડેજાના ૨૬, અક્ષરના ૭૪ રન
પહેલા દાવમાં છઠ્ઠા નંબરે રમેલા જાડેજા (૨૬ રન, ૭૪ બૉલ, ૮૨ મિનિટ, ચાર ફોર)એ અને આઠમા નંબરના અક્ષર (૭૪ રન, ૧૧૫ બૉલ, ૧૪૦ મિનિટ, ત્રણ સિક્સર, નવ ફોર)ને કારણે ભારત (૨૬૨ રન) સામે ઑસ્ટ્રેલિયા (૨૬૩) ફક્ત એક રનની લીડ લઈ શક્યું હતું. ત્રીજા દિવસે ભારત શરૂઆતમાં થોડું બૅકફુટ પર હતું, પરંતુ જાડેજાએ ૪૨ રનમાં ૭ વિકેટ (પાંચ ક્લીન બોલ્ડ, બે કૅચઆઉટ) લઈને સપાટો બોલાવી દીધો હતો.
આ પણ વાંચો: જાડેજાના સાત શિકાર : પરાજિત ઑસ્ટ્રેલિયનો પર બોર્ડર અને હેડન કોપાયમાન
અક્ષરે બીસીસીઆઇની વેબસાઇટ માટેની ચૅટમાં જાડેજાને કહ્યું કે ‘મેં દિલ્હીની પિચ પર સ્વીપ શૉટ મારવાના બહુ પ્રયત્ન નહોતા કર્યા. એને બદલે મેં બૅટને પૅડની સામે લાવીને જોખમ ઉઠાવ્યા વગર શૉટ માર્યા હતા. મેં છેલ્લે જ્યારે તારી સાથે બૅટિંગ કરી ત્યારે તેં મને કહેલું કે ઑસ્ટ્રેલિયન બોલર્સ મારા પૅડને ટાર્ગેટ બનવવાના પ્રયાસમાં છે એટલે હું પૅડને પ્રોટેક્ટ કરતો રહ્યો હતો.’
સ્ટમ્પ ટુ સ્ટમ્પ બૉલ ફેંક્યા
ખુદ જાડેજાએ પણ ડિફેન્સિવ બૅટિંગના અપ્રોચ સાથે પહેલા દાવમાં ૪૪ રન બનાવનાર કોહલી સાથે ૫૯ રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. જાડેજાએ બીજા દાવમાં લીધેલી ૭ વિકેટમાં પાંચ બૅટર્સ (લબુશેન, ઍલેક્સ કૅરી, કમિન્સ, લાયન, કુનેમન) ક્લીન બોલ્ડ થયા હતા. ઑસ્ટ્રેલિયા ૬૫/૧ના સ્કોર બાદ ૧૧૩ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. જાડેજાએ અક્ષરને ચૅટ દરમ્યાન કહ્યું કે ‘ભારતની પિચ પર સ્પિનરની ભૂમિકા અને જવાબદારી વધી જાય છે અને એનો લાભ લઈને મેં જોયું કે ઑસ્ટ્રેલિયન બૅટર્સ સ્વીપ અને રિવર્સ-સ્વીપ શૉટ મારવાનું જ વધુ પસંદ કરતા હતા એટલે મેં સ્ટમ્પ ટુ સ્ટમ્પ બૉલ ફેંકવાનું વધુ પસંદ કર્યું હતું. મોટા ભાગના બૅટર્સ શૉટ મારવાનું ચૂકી જતા હતા, બૉલ નીચો રહી જતો હતો અને તેઓ ક્લીન બોલ્ડ થઈ જતા હતા.