ભારતે અઢી દિવસમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ૨-૦થી અપરાજિત સરસાઈ મેળવી

ગુજરાતીઓનો દિલ્હીમાં દબદબો (ડાબેથી) રવીન્દ્ર જાડેજા, પહેલા દાવમાં ૭૪ રન બનાવનાર અક્ષર
ભારત સામે દિલ્હીમાં ગઈ કાલે બીજી ટેસ્ટમાં ત્રીજા જ દિવસે (ખરેખર તો અઢી દિવસમાં) ઑસ્ટ્રેલિયનો ૬ વિકેટે હારી ગયા ત્યાર બાદ આ ટેસ્ટ-મૅચની ટ્રોફીના નામથી સન્માનિત એલન બોર્ડર પરાજિત પૅટ કમિન્સ અને તેના સાથી-ખેલાડીઓ પર ક્રોધે ભરાયા હતા. ગઈ કાલે બીજા દાવમાં માત્ર બાવન રનમાં ઑસ્ટ્રેલિયાની બાકીની ૯ વિકેટ પડી ગઈ હતી અને ભારત માટે જીત આસાન થઈ ગઈ હતી. સ્ટીવ સ્મિથ, મૅથ્યુ રેન્શૉ, ઍલેક્સ કૅરી, પૅટ કમિન્સ, મૅથ્યુ કુહનેમન સહિત ૬ બૅટર્સ સાવ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. માત્ર લબુશેન (૩૫) અને ટ્રેવિસ હેડે (૪૩) થોડી ઘણી લડત આપી હતી.
૯૦ મિનિટમાં કાંગારૂઓનો ખેલ ખતમ થઈ જતાં બોર્ડરે ફૉક્સ ચૅનલને કહ્યું કે ‘હું ઘણો નિરાશ થયો છું, આઘાત પણ ખૂબ લાગ્યો છે. અમારી ટીમ જે રીતે રમી એ બદલ મારો ગુસ્સો સમાતો નથી. પિચ ગમેએવી હોય, પોતાની મર્યાદા ધ્યાનમાં રાખીને અમુક પદ્ધતિથી રમવું જોઈએ. તમને બધે કંઈ ફ્લૅટ પિચ ન મળે. ક્રીઝ પર ટકી રહેવું પડે.’
મૅથ્યુ હેડન પણ કમિન્સની ટીમ પર ખફા હતો. તેણે ‘મેં જે જોયું એ મારા જરાય માનવામાં નથી આવતું. હજી શનિવારની સાંજે તેઓ કેટલું બધું રમ્યા. ૬૧ રનમાં એક જ વિકેટ ગુમાવી, પણ રવિવારે સાવ પાણીમાં બેસી ગયા. ટીમનું આ બહુ મોટું પતન કહેવાય.’
જાડેજાના સાત શિકારમાં પાંચ બોલ્ડ
રવીન્દ્ર જાડેજાએ પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધા પછી ગઈ કાલે બીજી ઇનિંગ્સમાં માત્ર ૪૨ રનમાં ૭ વિકેટ લીધી હતી. સાતમાંથી પાંચ બૅટર્સ (લબુશેન, ઍલેક્સ કૅરી, કમિન્સ, લાયન અને કુહનેમન) ક્લીન બોલ્ડ થયા હતા. ખ્વાજા અને હૅન્ડ્સકૉમ્બે તેની બોલિંગમાં કૅચ આપ્યા હતા. બાકીની ત્રણ વિકેટ અશ્વિને લીધી હતી. પહેલા દાવમાં અશ્વિને ત્રણ તથા શમીએ ચાર વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: ચેતન શર્માના ફિટનેસ ફન્ડાએ બધાને વિચારતા કરી દીધા
ભારતે ટ્રોફી જાળવી રાખી
ભારતે બોર્ડર-ગાવસકર ટ્રોફી જાળવી રાખી છે. હવે ભારત છેલ્લી બન્ને ટેસ્ટ હારે તો પણ ટ્રોફી ભારતના કબજામાંથી નહીં જાય. ભારત આ પહેલાં ૨૦૨૦-’૨૧માં ૨-૧થી, ૨૦૧૮-’૧૯માં ૨-૧થી અને ૨૦૧૬-’૧૭માં ૨-૧થી સિરીઝ જીત્યું હતું.
ભારતનો ૬ વિકેટે વિજય
દિલ્હીની ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા ટૉસ જીત્યું, પરંતુ ગઈ કાલે ત્રીજા દિવસે જ પરાજિત થઈ ગયું. ઑસ્ટ્રેલિયા શનિવારના બીજા દિવસે ૬૧ રનમાં એક વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને એને મોટો સ્કોર કરીને ભારતને પડકારરૂપ લક્ષ્યાંક આપવાનો મોકો હતો, પરંતુ ગઈ કાલે કાંગારૂઓએ બાકીની ૯ વિકેટ માત્ર બાવન રનમાં ગુમાવી દીધી હતી. આખી ટીમ ૧૧૩ રનના સ્કોરે તંબુભેગી થઈ જતાં ભારતને ૧૧૫ રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. જોકે ભારતીય બૅટર્સે જ આ આસાન જીતને થોડી મુશ્કેલ બનાવી નાખી હતી, કારણ કે ૨૭મી ઓવરમાં ૧૧૮ રનના સ્કોર પર ભારત પહોંચ્યું એ પહેલાં ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું. રોહિતે ૩૧, રાહુલે ૧, કોહલીએ ૨૦ અને શ્રેયસે ૧૨ રન બનાવ્યા હતા. પુજારા ૩૧ રને અણનમ રહ્યો હતો. વિકેટકીપર શ્રીકાર ભરત (૨૩ અણનમ, બાવીસ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) પણ અણનમ હતો. ચારમાંથી બે વિકેટ નૅથન લાયને અને એક ટૉડ મર્ફીએ લીધી હતી.
25,000
કોહલી ગઈ કાલે ત્રણેય ફૉર્મેટ મળીને કુલ આટલા રન સૌથી ઓછી (૫૪૯) ઇનિંગ્સમાં બનાવનારો ફાસ્ટેસ્ટ બૅટર બન્યો હતો. તેણે ૫૭૭ ઇનિંગ્સમાં આટલા રન બનાવનાર સચિનનો વિશ્વવિક્રમ તોડ્યો છે.
સૌરાષ્ટ્ર માટે સુપર સન્ડે
ગઈ કાલનો રવિવાર સૌરાષ્ટ્ર અને એના સ્ટાર ખેલાડીઓના નામે લખાયો હતો. કલકત્તામાં જયદેવ ઉનડકટના સુકાનમાં સૌરાષ્ટ્રએ બેન્ગોલને ફાઇનલમાં હરાવીને બીજી વાર રણજી ટ્રોફી જીતી લીધી હતી. દિલ્હીમાં ચેતેશ્વર પુજારાએ ૧૦૦મી ટેસ્ટમાં વિનિંગ ફોર ફટકારી હતી. રવીન્દ્ર જાડેજા (૬૮ રનમાં ત્રણ અને ૪૨ રનમાં સાત) માટે પણ ગઈ કાલનો રવિવાર અવિસ્મરણીય હતો.