સાઉથ આફ્રિકા આઉટ: હવે ભારતે બેમાંથી એક જ ટેસ્ટ જીતવી પડશે : શ્રીલંકા માટે મુકામ મુશ્કેલ
ભારતીય ટીમ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી ગઈ
આગામી ૭ જૂને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલ માટેના બે ફાઇનલિસ્ટ અત્યારથી લગભગ નક્કી થઈ ગયા છે અને એમાંનું એક ભારત તથા બીજું ઑસ્ટ્રેલિયા છે. ભારતે ગઈ કાલે કાંગારૂઓ સામેની સિરીઝમાં ૨-૦થી અપરાજિત સરસાઈ મેળવી લીધી અને હવે બાકીની બેમાંથી એક ટેસ્ટ જીતીને ભારત ૩-૧નો કે ૩-૦નો વિજયી માર્જિન નોંધાવશે તો ત્રીજું દાવેદાર શ્રીલંકા આઉટ થઈ જશે. ભારત આખરી બેમાંની એક ટેસ્ટ ન જીતે તો પણ શ્રીલંકાએ ન્યુ ઝીલૅન્ડને બન્ને ટેસ્ટમાં હરાવીને સિરીઝ ૨-૦થી જીતી લેવી પડે જે ૧૦૦ ટકા સંભવ નથી લાગતું, કારણ કે શ્રીલંકનોએ ન્યુ ઝીલૅન્ડની પિચ પર રમવાનું છે.
ભારત ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં ઑલમોસ્ટ પહોંચી ગયું છે. ગઈ ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પણ ભારત રમ્યું હતું, પરંતુ ન્યુ ઝીલૅન્ડ સામે એ હારી ગયું હતું. ભારતના અત્યારે પૉઇન્ટ પર્સન્ટેજ ૬૪.૦૬ છે, જ્યારે ઑસ્ટ્રેલિયાના ૬૬.૬૭ છે. જો ભારત કાંગારૂઓ સામેની બાકીની બેમાંથી એક ટેસ્ટ પણ નહીં જીતે અને કિવીઓ સામે શ્રીલંકા ૨-૦થી જીતી જશે તો જ ભારત આઉટ થઈ શકે. જો ભારત ૨-૦થી સિરીઝ જીતશે તો એના પૉઇન્ટ પર્સન્ટેજ ૫૬.૯૪ રહેશે. સામા છેડે શ્રીલંકા જો કિવીઓ સામે ૧-૦થી શ્રેણી જીતશે તો એના ૫૫.૫૫ પૉઇન્ટ પર્સન્ટેજ ભારતના ૫૬.૯૪ કરતાં ઓછા હશે એટલે ભારત ફાઇનલમાં પહોંચી જ જશે.


