દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટે ૧૭૭ રન ફટકારી બંગલાદેશે ૧૮૭ રનની લીડ મેળવી
ગૉલ ફોર્ટની ઉપર બેસીને ટેસ્ટ-મૅચનો આનંદ માણ્યો હતો સ્કૂલના વિદ્યાર્થીઓએ
શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ-મૅચના ચોથા દિવસે બંગલાદેશની ટીમે પોતાની સ્થિતિ મજબૂત કરી છે. બંગલાદેશના ૪૯૫ રન સામે પહેલી ઇનિંગ્સમાં શ્રીલંકા ૪૮૫ રને ઑલઆઉટ થઈને માત્ર ૧૦ રન પાછળ રહ્યું હતું. બંગલાદેશે ચોથા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ઓપનર શાદમાન ઇસ્લામ અને કૅપ્ટન નજમુલ હોસેન શાન્તોની ફિફ્ટીની મદદથી ૫૭ ઓવરમાં ત્રણ વિકેટે ૧૭૭ રન ફટકારીને ૧૮૭ રનની લીડ મેળવી છે. આજે અંતિમ દિવસે બન્ને ટીમ વચ્ચે રિઝલ્ટ પોતાના પક્ષમાં કરવા માટે રસાકસી જોવા મળશે.
૩૮ ઓવરમાં શ્રીલંકાએ ૧૧૭ રન ઉમેરીને બાકીની ૬ વિકેટ ગુમાવી દીધી હતી. બંગલાદેશી સ્પિનર નઇમ હસન (૧૨૧ રનમાં પાંચ વિકેટ)ને સૌથી મોટી સફળતા મળી હતી. બંગલાદેશી કૅપ્ટન નજમુલ હોસેન શાન્તોએ (૧૨૬ બૉલમાં ૭૬ રન) ત્રીજી વિકેટ માટે ઓપનર શાદમાન ઇસ્લામ (૧૧૩ બૉલમાં ૫૬ રન અણનમ) સાથે ૬૮ રન અને ચોથી વિકેટ માટે મુશફિકુર રહીમ (૪૩ બૉલમાં બાવીસ રન અણનમ) સાથે ૪૯ રનની અણનમ પાર્ટનરશિપ કરીને ટીમની સ્થિતિ મજબૂત કરી હતી.

