બંગલાદેશની વર્તમાન સ્ક્વૉડને ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ જ નથી
ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ, બંગલાદેશી કૅપ્ટન નઝમુલ હુસેન શાન્તો.
આવતી કાલે ૧૩ ઑગસ્ટે ભારતીય સમય અનુસાર સવારે ૬ વાગ્યાથી ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશ વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થશે. બંગલાદેશની ટીમ ૨૩ વર્ષ બાદ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ રમશે. પહેલી મૅચ ડાર્વિનમાં રમાશે જ્યારે બીજી મૅચ મૅકે સિટીમાં બાવીસ ઑગસ્ટે સવારે ૫.૩૦ વાગ્યાથી શરૂ થશે.
બંગલાદેશી ટીમ છેલ્લે જુલાઈ ૨૦૦૩માં ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ રમી હતી. આ બન્ને ટીમો વચ્ચે ૨૦૦૩ પછી ૨૦૦૫-’૦૬ અને ૨૦૧૭માં જ ટેસ્ટ-સિરીઝ રમાઈ હતી. પહેલી બન્ને સિરીઝમાં ઑસ્ટ્રેલિયાએ ૨-૦થી ક્લીન સ્વીપ કરી હતી. જ્યારે અંતિમ સિરીઝ ૧-૧થી ડ્રૉ રહી હતી. છેલ્લી બન્ને સિરીઝ બંગલાદેશમાં રમાઈ હતી.
કાંગારૂઓ સામે બંગલાદેશ ૬ ટેસ્ટ-મૅચમાંથી માત્ર ઑગસ્ટ ૨૦૧૭માં એક માત્ર ટેસ્ટ-મૅચ ૨૦ રનની જીતી શક્યું હતું. બંગલાદેશની વર્તમાન ટેસ્ટ-સ્ક્વૉડમાંથી કોઈ ખેલાડીને ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ નથી.
