બીજી ઇનિંગ્સમાં બંગલાદેશ ૩૦૭ રન પર આૅલઆઉટ થઈ ગયું, સાઉથ આફ્રિકાએ ૧૦૬ રનનો ટાર્ગેટ ત્રણ વિકેટે ચેઝ કરીને ૦-૧ની લીડ મેળવી
બંગલાદેશ સામે વિજય મેળવ્યા બાદ સેલિબ્રેટ કરતા સાઉથ આફ્રિકના પ્લેયર્સ.
ઢાકા ટેસ્ટના ચોથા દિવસે મહેમાન ટીમ સાઉથ આફ્રિકાએ બંગલાદેશને સાત વિકેટે હરાવીને બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૦-૧થી લીડ મેળવી હતી. ચોથા દિવસે બંગલાદેશની ટીમ ૩૦૭ રનમાં સમેટાઈ જતાં સાઉથ આફ્રિકાને જીત માટે ૧૦૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે એણે લંચ-બ્રેક પહેલાં બાવીસ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. પહેલી ઇનિંગ્સમાં બંગલાદેશે ૧૦૬ રન અને સાઉથ આફ્રિકાએ ૩૦૮ રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ બીજી ઇનિંગ્સમાં ૩૯ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ટેસ્ટ-કરીઅરમાં પંદરમી વાર તેણે પાંચ કે એનાથી વધુ વિકેટ લીધી હતી. આ મૅચમાં તેણે કુલ ૯ વિકેટ ઝડપી હતી. ૧૧૪ રનની ઇનિંગ્સ રમનાર વિકેટકીપર કાઇલ વેરેન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
સાઉથ આફ્રિકાએ બંગલાદેશની ધરતી પર ૧૬ વર્ષ બાદ અને એશિયાની ધરતી પર ૧૦ વર્ષ બાદ ટેસ્ટ-મૅચ જીતી હતી. સાઉથ આફ્રિકાએ છેલ્લી વાર બંગલાદેશમાં માર્ચ ૨૦૦૮માં એક ઇનિંગ્સ અને ૨૦૫ રનથી ટેસ્ટ જીતી હતી. સાઉથ આફ્રિકા સામે બંગલાદેશની ટીમ ક્યારેય ટેસ્ટ-મૅચ જીતી શકી નથી. એશિયામાં સાઉથ આફ્રિકાએ છેલ્લે ૨૦૧૪માં શ્રીલંકા સામે ૧૫૩ રનથી જીત મેળવી હતી. છેલ્લાં ૧૦ વર્ષમાં સાઉથ આફ્રિકા એશિયામાં ભારત સામે ત્રણ, શ્રીલંકા, પાકિસ્તાન અને બંગલાદેશ સામે બે-બે ટેસ્ટ રમ્યું પણ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. વર્ષ ૨૦૧૫માં જ્યારે આ ટીમ બંગલાદેશની ધરતી પર છેલ્લી વાર ટેસ્ટ રમવા આવી ત્યારે બન્ને ટેસ્ટ ડ્રૉ રહી હતી.