સિરીઝની પહેલી મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે આપેલો ૧૯૦ રનનો ટાર્ગેટ કાંગારૂઓએ ૭ બૉલ બાકી રાખીને ચેઝ કરીને ૩ વિકેટે જીત મેળવી
મિચલ ઓવન અને કૅમરન ગ્રીને કરી હતી ૪૦ બૉલમાં ૮૦ રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ.
ગઈ કાલે જમૈકામાં યજમાન ટીમને ૩ વિકેટે હરાવીને ઑસ્ટ્રેલિયાએ પાંચ મૅચની T20 સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી છે. વેસ્ટ ઇન્ડીઝે ૮ વિકેટ ગુમાવીને ૧૮૯ રન કર્યા હતા, જેની સામે ઑસ્ટ્રેલિયાએ ૧૮.૫ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૯૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઘરઆંગણે છેલ્લી સાતેસાત મૅચ હારનાર કૅરિબિયન ટીમે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ મૅચ હારવાના બંગલાદેશ (૧૯૨માંથી ૧૧૩ મૅચમાં હાર)ના રેકૉર્ડની બરાબરી કરી છે. વેસ્ટ ઇન્ડીઝ ૨૨૧માંથી ૧૧૩ મૅચ હાર્યું છે.
યજમાન ટીમના કૅપ્ટન શાઇ હોપે (૩૯ બૉલમાં ૫૫ રન) બીજી વિકેટ માટે રોસ્ટન ચેઝ (૩૨ બૉલમાં ૬૦ રન) સાથે પંચાવન બૉલમાં ૯૧ રનની ભાગીદારી કરીને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો, પણ કૅરિબિયન ટીમે અંતિમ ઓવર્સમાં ઝડપથી વિકેટ ગુમાવતાં ૨૦૦+ રનનો સ્કોર થઈ શક્યો નહોતો. ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બેન દ્વારશુઇસે (૩૬ રનમાં ૪ વિકેટ) T20 કરીઅરનું બેસ્ટ પ્રદર્શન કર્યું હતું. તેની ૧૯મી ઓવરમાં ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ (૯ બૉલમાં ૮ રન) સહિત ૩ વિકેટ પડી હતી.
ADVERTISEMENT
રન-ચેઝ સમયે યજમાન ટીમના ફાસ્ટ બોલર જેસન હોલ્ડર (૩૨ રનમાં બે વિકેટ) અને અલ્ઝારી જોસેફ (૩૯ રનમાં બે વિકેટ)એ કાંગારૂઓને ઑલઆઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરતું ઇન્ટરનૅશનલ ડેબ્યુ કરનાર મિચલ ઓવન (૨૭ બૉલમાં ૫૦ રન)એ છઠ્ઠી વિકેટ માટે કૅમરન ગ્રીન (૨૬ બૉલમાં ૫૧ રન) સાથે ૪૦ બૉલમાં ૮૦ રનની પાર્ટનરશિપ કરીને જીતનો પાયો નાખ્યો હતો. એક પણ ફોર ફટકાર્યા વગર ૬ સિક્સર ફટકારનાર મિચલ ઓવન એક ઓવરમાં ૧૪ રન આપીને એક વિકેટ લેવાને કારણે પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. ઑસ્ટ્રેલિયન ટીમે આ મૅચમાં ૧૭ સિક્સર ફટકારી હતી.
186.34 આટલા હાઇએસ્ટ સ્ટ્રાઇક રેટથી ૧૦૦૦ T20 રન પૂરા કરનાર બૅટર બન્યો મિચલ ઓવન.


