રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઉંમર વિશે નવજોત સિંહ સિધુએ કહી આ વાત
નવજોત સિંહ સિધુ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિધુએ ભારતના ડોમેસ્ટિક ક્રિકેટને લઈને મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લગભગ ૧૪૦ વિદેશી પ્લેયર્સ અરજી કરે છે, ટેસ્ટ ફૉર્મેટના પ્લેયર્સને તપાસો. ન્યુ ઝીલૅન્ડના કેન વિલિયમસન, ઇંગ્લૅન્ડના બેન સ્ટોક્સ અને જેમ્સ ઍન્ડરસન તથા ઑસ્ટ્રેલિયાનો ડેવિડ વૉર્નર છે. જ્યારે ટોચની આઠ ટીમો રણજી ટ્રોફી માટે ક્વૉલિફાય થાય છે તો તમારે ચાર નહીં તો ત્રણ વિદેશી પ્લેયર્સને એમાં રમવા દેવા જોઈએ. જુઓ પછી, કેવી રીતે લાઇમલાઇટ અને પ્રશંસા આવશે.’
ડોમેસ્ટિક ક્રિકેટથી એક દાયકાથી વધુ સમય સુધી દૂર રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટીકા થઈ રહી છે. તેમનું સમર્થન કરતાં સિધુ કહે છે કે ‘તેઓ આખું વર્ષ ત્રણેય ફૉર્મેટની મૅચ રમે છે. તેમને તેમના પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળવી જોઈએ. તેમની પત્નીઓને ટ્રોલ કરવામાં આવે છે. આપણે આપણા હીરોનું સન્માન કરતાં શીખવું પડશે. થોડું ધૈર્ય રાખવું જોઈએ.’
ADVERTISEMENT
રોહિત શર્મા અને વિરાટ કોહલીની ઉંમર વિશે કહી આ વાત
રોહિત શર્મા (૩૮ વર્ષ) અને વિરાટ કોહલી (૩૬ વર્ષ)ના ખરાબ પ્રદર્શન વિશે વાત કરતાં નવજોત સિંહ સિધુ કહે છે કે ‘જેમ-જેમ તમારી ઉંમર વધે છે એમ તમારી પ્રતિક્રિયા ધીમી પડે છે. આ રમત સંપૂર્ણપણે ચિંતન વિશે છે. જ્યારે સચિન તેન્ડુલકર કરીઅર પૂરી કરવાની નજીક હતો ત્યારે તેના ખભામાં તકલીફ થવા માંડી હતી. વીરેન્દર સેહવાગ ખૂબ જ પ્રભાવશાળી ક્રિકેટર હતો, પરંતુ ચશ્માં પહેરવાનું શરૂ કર્યા પછી તે આગળ ન વધી શક્યો. એટલા માટે ઉંમર સાથે બધું બદલાય છે. જેકંઈ બને છે એ એકાદ દિવસ તો તૂટી જ પડે છે. તેઓ કીમતી પ્લેયર્સ છે, તેમણે ફક્ત તેમની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’