કૅમરન ગ્રીન ૨૫.૨૦ કરોડનો સૌથી મોંઘો વિદેશી પ્લેયર બન્યો, ચેન્નઈએ બે નવાસવા પ્લેયર્સને ૧૪.૨૦-૧૪.૨૦ કરોડમાં ખરીદ્યા : કલકત્તાએ મથીશા પથિરાના પર ૧૮ કરોડનો ખર્ચ કર્યો : કૅપ્ડ ભારતીય પ્લેયર્સ રવિ બિશ્નોઈને ૭.૨૦ કરોડ અને વેન્કટેશ ઐયરને ૭ કરોડ જ મળશે
કૅમરન ગ્રીન, મથીશા પથિરાના, રવિ બિશ્નોઈ
IPL 2026ના મિની ઑક્શનમાં ગઈ કાલે અબુ ધાબીમાં ૧૦ ટીમના તમામ ૭૭ સ્લૉટ માટે પ્લેયર્સની ખરીદી કરવામાં આવી હતી. શૉર્ટ-લિસ્ટ થયેલા ૩૫૦ પ્લેયર્સમાં અંતિમ સમયે અન્ય ૧૯ પ્લેયર્સને પણ ઉમેરીને ઑક્શનમાં બોલી માટેના પ્લેયર્સની સંખ્યા ૩૬૯ કરવામાં આવી હતી. ૧૦ ટીમોએ ૭૭ પ્લેયર્સ પર ૨૩૭.૫૫ કરોડ રૂપિયાના બજેટમાંથી ૨૧૫.૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એમાંથી અનકૅપ્ડ પ્લેયર્સ પર ૬૩.૨૫ કરોડ રૂપિયા વરસાવવામાં આવ્યા હતા.
કૅમરન ગ્રીન માટે ૨૫.૨૦ કરોડ સુધી જબરદસ્ત બિડિંગ-વૉર, પણ તેને મળશે માત્ર ૧૮ કરોડ
ADVERTISEMENT
બિડિંગ-વૉર જીતીને કોલકાતા નાઇટ રાઇડર્સે ૨૬ વર્ષના ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૅમરન ગ્રીનને ૨૫.૨૦ કરોડ રૂપિયાની મોટી રકમ સાથે પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. તે રિષભ પંત (૨૭ કરોડ), શ્રેયસ ઐયર (૨૬.૭૫ કરોડ) બાદ ઓવરઑલ ત્રીજો અને ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો હતો. IPL 2024માં મિચલ સ્ટાર્કને વિદેશી પ્લેયર તરીકે ૨૪.૭૫ કરોડ રૂપિયામાં ખરીદવાનો પોતાનો જ રેકૉર્ડ કલકત્તાએ તોડ્યો હતો.
બે કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસવાળા કૅમરન ગ્રીનના પહેલી IPL ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલિક આકાશ અંબાણીએ ૨.૭૫ કરોડ રૂપિયા સુધી બોલી લગાડીને સૂચક હાજરી પુરાવી હતી. ત્યાર બાદ રાજસ્થાન અને કલકત્તા વચ્ચે ૧૩ કરોડ સુધી બિડિંગ-વૉર ચાલી અને ત્યાર બાદ ચેન્નઈએ પચીસ કરોડ રૂપિયા સુધીની પોતાની હાઇએસ્ટ બોલી લગાડી, પણ કૅમરન ગ્રીનને ખરીદવામાં નિષ્ફળ રહ્યા. IPL 2023 અને 2024માં મુંબઈ તથા બૅન્ગલોર માટે ૧૭.૫૦ કરોડ રૂપિયામાં રમનાર કૅમરન ગ્રીનની સૅલેરીમાં ૭.૨૫ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ઇન્જરીને કારણે તે છેલ્લી સીઝન રમી શક્યો નહોતો.
IPLમાં વિદેશી પ્લેયર્સ માટે મૅક્સિમમ ફીનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે જે અનુસાર કોઈ વિદેશી પ્લેયર્સને ૧૮ કરોડ રૂપિયા સુધી જ રીટેન કરી શકાશે અને ઑક્શનમાં ખરીદી શકાશે. કૅમરન ગ્રીન માટે લાગેલા ૨૫.૨૦ કરોડમાંથી ૧૮ કરોડ પ્લેયરને મળશે અને બાકીના ૭.૨૦ કરોડ રૂપિયા BCCI વેલ્ફેર ફન્ડમાં જશે. આ નિયમ પૅટ કમિન્સ અને મિચલ સ્ટાર્ક પર લાગેલી ૨૦ કરોડ પ્લસની બોલી લાગ્યા બાદ લેવામાં આવ્યો હતો જેથી ભારતીય પ્લેયર્સ સાથે અન્યાય ન થાય. ઘણા વિદેશી પ્લેયર્સ ઘણી વખત ટીમની જરૂરિયાતનો ફાયદો ઉઠાવવા પણ ઑક્શનમાં નોંધણી કરાવતા હોય છે.
ચેન્નઈએ સૌથી મોંઘા બે અનકૅપ્ડ પ્લેયર ખરીદ્યા
ચેન્નઈએ ઑલમોસ્ટ ૨૦ મિનિટમાં બે બિડિંગ-વૉર જીતીને સૌથી મોંઘા બે અનકૅપ્ડ પ્લેયર ખરીદ્યા હતા. ઉત્તર પ્રદેશના ૨૦ વર્ષના ઑલરાઉન્ડર પ્રશાંત વીર અને રાજસ્થાનના ૧૯ વર્ષના વિકેટકીપર-બૅટર કાર્તિક શર્માને ૧૪.૨૦-૧૪.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. બન્નેની બેઝ-પ્રાઇસ માત્ર ૩૦-૩૦ લાખ રૂપિયા હતી. બન્નેએ સૌથી મોંઘા અનકૅપ્ડ પ્લેયર બનવા મામલે આવેશ ખાનનો ૨૦૨૨નો રેકૉર્ડ તોડ્યો હતો જ્યાં લખનઉએ તેને ૧૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પ્રશાંત વીરે T20 ફૉર્મેટમાં માત્ર ૯ મૅચમાં ૧૧૨ રન કરીને ૧૨ વિકેટ લીધી છે, જ્યારે કાર્તિક શર્માએ ૧૨ મૅચમાં બે ફિફ્ટી ફટકારીને ૩૩૪ રન કર્યા છે. બન્નેને નેટ-સેશનમાં અજમાવ્યા બાદ ચેન્નઈએ પોતાની સ્ક્વૉડમાં સામેલ કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
૧૯ અને ૨૦ વર્ષના આ નવાસવા ભારતીય યંગસ્ટરોને તો રીતસર જૅકપૉટ લાગ્યો
IPLના મિની ઑક્શનમાં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કૅમરન ગ્રીન ૨૫.૫૦ કરોડ રૂપિયામાં વેચાઈને સૌથી મોંઘો વિદેશી પ્લેયર બન્યો એ તો સમજ્યા, પણ... ભારત માટે ક્યારેય એક પણ મૅચ ન રમેલા રાજસ્થાનના વિકેટકીપર-બૅટર કાર્તિક શર્માને અને ઉત્તર પ્રદેશના લેફ્ટ-આર્મ સ્પિન ઑલરાઉન્ડર પ્રશાંત વીરને ચેન્નઈ સુપર કિંગ્સે અધધધ ૧૪.૨૦-૧૪.૨૦ કરોડ રૂપિયા આપીને ખરીદ્યા, બન્નેની બેઝ-પ્રાઇસ હતી માત્ર ૩૦ લાખ રૂપિયા. અનકૅપ્ડ ઇન્ડિયન ખેલાડીઓને આટલા પૈસા આ પહેલાં ક્યારેય નથી મળ્યા, ૨૦૨૨માં લખનઉ સુપર જાયન્ટ્સે આવેશ ખાનને આપેલા ૧૦ કરોડનો રેકૉર્ડ તોડ્યો. કાર્તિક-પ્રશાંત બન્ને પહેલી વાર IPL રમશે.
મથીશા પથિરાના સૌથી મોંઘો શ્રીલંકન પ્લેયર બન્યો
મથીશા પથિરાનાને ખરીદવા માટે દિલ્હી, લખનઉ અને કલકત્તા વચ્ચે બિડિંગ-વૉર ચાલી હતી. અંતે કલકત્તાએ આ યંગ ફાસ્ટ બોલરને ૧૮ કરોડ રૂપિયામાં ખરીદીને IPL ઇતિહાસનો સૌથી મોંઘો પ્લેયર બનાવી દીધો હતો. ૨૦૨૨થી ૨૦૨૫ વચ્ચે તેણે ચેન્નઈ માટે ૩૨ મૅચમાં ૪૭ વિકેટ લીધી હતી. પહેલી ૩ સીઝનમાં ૨૦ લાખ રૂપિયામાં રમ્યા બાદ છેલ્લી સીઝનમાં તેને ૧૩ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. તેની IPL સૅલેરીમાં પાંચ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ભારતીય કૅપ્ડ પ્લેયર્સ પર હાઇએસ્ટ ૭.૨૦ કરોડની જ બોલી લાગી
સ્પિનર રવિ બિશ્નોઈને તેની ઘરઆંગણાની ટીમ રાજસ્થાને ૭.૨૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મધ્ય પ્રદેશના ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરને બૅન્ગલોરે ૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારત તરફથી રમી ચૂકેલા ભારતીય પ્લેયર્સમાંથી ગઈ કાલે બે કરોડની બેઝ-પ્રાઇસવાળા આ બે પ્લેયર્સ પર જ મોટી બોલી લાગી હતી. વેન્કટેશ ઐયર ગઈ સીઝનમાં કલકત્તા માટે ૨૩.૭૫ કરોડ રૂપિયામાં રમ્યો હતો. તેને પોતાની અગાઉની બીજી હાઇએસ્ટ ૮ કરોડની IPL સૅલેરી કરતાં પણ ઓછી કિંમત આ વખતે મળી છે. રવિ બિશ્નોઈ છેલ્લી સીઝનમાં લખનઉ માટે ૧૧ કરોડ રૂપિયામાં રમ્યો હતો.
સરફરાઝ ખાન, પૃથ્વી શૉ સહિત આ સ્ટાર પ્લેયર બેઝ-પ્રાઇસમાં વેચાયા
ચેન્નઈએ ભારતના વિકેટકીપર-બૅટર સરફરાઝ ખાનને અંતિમ રાઉન્ડમાં ૭૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. દિલ્હીએ પૃથ્વી શૉને પણ અંતિમ સમયમાં ૭૫ લાખમાં સામેલ કર્યો હતો. સરફરાઝ ખાન બે સીઝન અને પૃથ્વી એક સીઝનના બ્રેક બાદ IPLમાં રમતા જોવા મળશે.
હૈદરાબાદે શિવમ માવીને ૭૫ લાખ, બૅન્ગલોરે જેકબ ડફીને બે કરોડ અને જૉર્ડન કૉક્સને ૭૫ લાખ, રાજસ્થાને વિજ્ઞેશ પુથુરને ૩૦ લાખ અને કુલદીપ સેનને ૭૫ લાખ, મુંબઈએ ક્વિન્ટન ડી કૉકને ૧ કરોડ, લખનઉએ વનિન્દુ હસરંગાને બે કરોડ, કલકત્તાએ રાહુલ ત્રિપાઠીને ૭૫ લાખ, આકાશ દીપને એક કરોડ, રચિન રવીન્દ્રને બે કરોડ, ગુજરાતે લ્યુક વુડને ૭૫ લાખ, દિલ્હીએ ડેવિડ મિલર, બેન ડકેટ, લુન્ગી ઍન્ગિડીને બે-બે કરોડ, ચેન્નઈએ મૅટ હેન્રીને બે કરોડ, મૅથ્યુ શૉર્ટને ૧.૫૦ કરોડની બેઝ-પ્રાઇસમાં ખરીદી લીધા હતા.
જમ્મુ-કાશ્મીરનો આકિબ ડાર દિલ્હી માટે રમશે
૨૯ વર્ષના ફાસ્ટ બોલર આકિબ ડારને દિલ્હીએ ૮.૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ૩૦ લાખની બેઝ-પ્રાઇસથી તેના માટે દિલ્હી, રાજસ્થાન, બૅન્ગલોર વચ્ચે બિડિંગ-વૉર ચાલી હતી. જમ્મુ-કાશ્મીરના આ પ્લેયરે દુલીપ ટ્રોફીમાં ડબલ હૅટ-ટ્રિક વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો હતો. ૩૪ T20 મૅચમાં તેણે ૪૩ વિકેટ ઝડપી છે.
ચર્ચામાં રહી આ પ્લેયર્સની બોલી
શરૂઆતમાં અનસોલ્ડ રહ્યા બાદ પાછળથી ઇંગ્લૅન્ડના સ્પિન ઑલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટન પર હૈદરાબાદે ૧૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. બૅન્ગલોર માટે ૮.૭૫ કરોડ રૂપિયામાં તે ગયા વખતે ૧૦ મૅચમાં ૧૧૨ રન કરીને બે જ વિકેટ લઈ શક્યો હતો. તે અગાઉ ૧૧.૫૦ કરોડ રૂપિયામાં ૩ સીઝન પંજાબ માટે રમ્યો હતો.
બંગલાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને કલકત્તાએ ૯.૨૦ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ગઈ સીઝનમાં તે દિલ્હી માટે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ૬ કરોડ રૂપિયામાં રમ્યો હતો.
મર્યાદિત મૅચ રમવાનો હોવા છતાં ઑસ્ટ્રેલિયાના વિકેટકીપર-બૅટર જોશ ઇંગ્લિસને લખનઉએ ૮.૬૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. છેલ્લી સીઝનમાં તે પહેલી જ વખત IPL રમ્યો હતો. પંજાબે તેના પર ૨.૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝના અનુભવી ઑલરાઉન્ડર જેસન હોલ્ડરને ગુજરાતે ૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. છેલ્લે તે ૨૦૨૩માં રાજસ્થાન માટે ૫.૭૫ કરોડ રૂપિયામાં રમ્યો હતો. તે IPLમાં છઠ્ઠી ટીમ માટે રમતો જોવા મળશે.


