બીજી ઇનિંગ્સમાં ૩૪૯ રન કરીને યજમાન ટીમે ૪૩૫ રનનો ટાર્ગેટ આપ્યો, ૨૦૭ રનમાં ૬ વિકેટ ગુમાવીને મહેમાન ટીમ ઑલમોસ્ટ હારની નજીક પહોંચી છે
જો રૂટની વિકેટ લીધા બાદ ધમાકેદાર સેલિબ્રેશન કર્યું પૅટ કમિન્સે.
ઍૅડીલેડ ટેસ્ટ-મૅચ સાથે ઍશિઝ ટેસ્ટ-સિરીઝ આજે સૌથી રોમાંચક તબક્કા પર પહોંચી છે. આજે ત્રીજી ટેસ્ટ-મૅચમાં પાંચમા દિવસે ૨-૦થી લીડવાળી ઑસ્ટ્રેલિયાની ટીમને જીત માટે માત્ર ૪ વિકેટની જરૂર છે, જ્યારે ઇંગ્લૅન્ડે આ સિરીઝ બચાવવા માટે બીજા ૨૨૮ રન કરવાના છે. જોકે ઇંગ્લૅન્ડના બીજા દાવના સ્કોરને જોતાં કાંગારૂઓ ૩-૦થી સિરીઝ પોતાને નામે કરશે એવું લાગી રહ્યું છે.
પહેલી ઇનિંગ્સમાં ૩૭૧ રન ફટકારનાર યજમાન ટીમે ટ્રૅવિસ હેડના ૧૭૦ રન અને ઍલેક્સ કૅરીના ૭૨ રનની મદદથી બીજા દાવમાં ૮૪.૨ ઓવરમાં ૩૪૯ રને તમામ વિકેટ ગુમાવી હતી. ચોથા દિવસની રમતના અંત સુધીમાં ઇંગ્લૅન્ડે ૬૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ઝૅક ક્રૉલીના ૮૫ રનની મદદથી ૨૦૭ રન કર્યા હતા.
વિકેટકીપર-બૅટર તરીકે ઍલેક્સ કૅરીએ ઇતિહાસ રચ્યો
ADVERTISEMENT
કાંગારૂ વિકેટકીપર-બૅટર તરીકે ઍલેક્સ કૅરીએ ઍડીલેડ ટેસ્ટ-મૅચમાં પહેલા દાવમાં ૧૦૬ રન કર્યા બાદ બીજી ઇનિંગ્સમાં ૭૨ રન કર્યા હતા. તેણે ટોટલ ૧૭૮ રન કરીને બે દાયકા જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. ઍલેક્સ કૅરી હવે ઍશિઝની એક મૅચમાં સૌથી વધુ રન કરનાર વિકેટકીપર-બૅટર બન્યો છે. ૨૦૦૨-’૦૩ની સિરીઝમાં સિડની ટેસ્ટ-મૅચ દરમ્યાન ૧૭૦ રન કરનાર ઍડમ ગિલક્રિસ્ટનો રેકૉર્ડ તેણે તોડ્યો છે.


