કૅન્સર-પીડિત બહેન અખંડ જ્યોતિ સિંહે ફાસ્ટ બોલર આકાશ દીપને આપ્યો સંદેશ..
મોટી બહેન અખંડ જ્યોતિ સિંહ સાથે આકાશ દીપનો ફાઇલ ફોટો.
ઇંગ્લૅન્ડના એજબૅસ્ટન સ્ટેડિયમમાં ૧૮૭ રન આપીને ૧૦ વિકેટ લઈને રેકૉર્ડબ્રેક પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર આકાશ દીપે આ સિદ્ધિને પોતાની કૅન્સર-પીડિત બહેન અખંડ જ્યોતિ સિંહને સમર્પિત કરી હતી. મૅચ જીત્યા બાદ તેણે ઇમોશનલ થઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેની મોટી બહેન છેલ્લા બે મહિનાથી કૅન્સરની સારવાર કરાવી રહી છે.
અખંડ જ્યોતિ સિંહે ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘ભારત અને અમારા માટે ગર્વની વાત છે કે આકાશે ૧૦ વિકેટ લીધી છે. ઇંગ્લૅન્ડ-ટૂર પહેલાં અમે તેને મળવા ઍરપોર્ટ ગયાં હતાં. જ્યારે આકાશ વિકેટ લે છે ત્યારે મને ખૂબ આનંદ થાય છે. જ્યારે પણ તે વિકેટ લે છે, ત્યારે અમે બધા તાળીઓ પાડીએ છીએ. મને ખબર નહોતી કે આકાશ આવું કંઈક કહેશે. કદાચ અમે જાહેરમાં તેના વિશે વાત કરવા તૈયાર નહોતા, પરંતુ જે રીતે તે ભાવુક થઈ ગયો અને મારા માટે આ કહ્યું, મને સમર્પિત કર્યું એ ખૂબ મોટી વાત છે.’
ADVERTISEMENT
અખંડ જ્યોતિ કહે છે, ‘આવો ભાઈ મળવો ખૂબ જ દુર્લભ છે. તે અમને ખૂબ મદદ કરે છે અને અમારી સાથે વાત કર્યા વિના કોઈ કામ કરતો નથી. તે પરિવાર સાથે બધું જ શૅર કરે છે. જ્યારે IPL ચાલી રહી હતી અને તે લખનઉ ટીમ માટે રમી રહ્યો હતો ત્યારે મને કૅન્સરની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી છતાં તે મૅચ પહેલાં કે પછી મને મળવા આવતો હતો.’
અખંડ જ્યોતિ આગળ કહે છે, ‘મૅચ પૂરી થયા પછી અમે બે વાર વિડિયો કૉલ પર વાત કરી અને પછી ફરીથી સવારે પાંચ વાગ્યે. આકાશે મને કહ્યું, ચિંતા કરશો નહીં, આખો દેશ આપણી સાથે છે. હું વાત છુપાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ ગઈ કાલે હું મારી જાતને રોકી શક્યો નહીં.’
તેણે આકાશ દીપને સંદેશ આપ્યો કે હું બિલકુલ ઠીક છું, મારી ચિંતા ન કર, ફક્ત દેશ માટે સારું પ્રદર્શન કર. મારા આશીર્વાદ તારી સાથે છે. હું ખૂબ ખુશ છું.
છ મહિનાની અંદર પપ્પા અને મોટા ભાઈની છત્રછાયા ગુમાવી દીધી હતી આકાશ દીપે
૧૯૯૬ની ૧૫ ડિસેમ્બરે બિહારના સાસારામના એક નાના ગામ દેહરીમાં જન્મેલા આકાશ દીપનો ઉછેર સામાન્ય વાતાવરણમાં થયો હતો.
તેના પિતા રામજી સિંહ એક શાળામાં શિક્ષક હતા. શરૂઆતમાં તેનાં ક્રિકેટનાં સપનાંને નાપસંદ કરતા હતા અને તેને સરકારી નોકરી કરાવવા માગતા હતા.
૨૦૧૫માં યોગ્ય સારવાર અને સુવિધાના અભાવે તેના પપ્પા અને મોટા ભાઈનું અવસાન થયું હતું.
આ ઘટના બાદ તે લગભગ ત્રણ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. તેની માતા લડ્ડુ દેવી અને બહેન અખંડ જ્યોતિ દ્વારા પ્રોત્સાહિત થઈને તેણે ફરીથી ક્રિકેટ શરૂ કર્યું.
સાસારામમાં ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ક્રિકેટ-કરીઅર બનાવવા પશ્ચિમ બંગાળ ગયો હતો.
પૈસા કમાવા માટે તે ઑલમોસ્ટ ૧૮ વર્ષની ઉંમર સુધી ટેનિસ બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટ રમતો હતો.
તેને બૅટ્સમૅન તરીકે રમવું પસંદ હતું, પણ તેની તીવ્ર ગતિની બોલિંગે બંગાળના ક્રિકેટ સ્કાઉટ્સનું ધ્યાન ખેંચ્યું.
૨૦૧૯માં બંગાળ માટે ત્રણેય ફૉર્મેટની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, વિજય હઝારે ટ્રોફી અને રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું હતું.
૨૦૨૧માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે નેટ બોલર તરીકે જોડાયા બાદ ૨૦૨૨થી ૨૦૨૪ સુધી આ ટીમ માટે પ્રતિ સીઝન ૨૦ લાખ રૂપિયામાં રમ્યો.
૨૦૨૪માં રાંચીમાં તેણે ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-મૅચમાં ઇન્ટરનૅશનલ ડેબ્યુ કર્યું.
૨૦૨૫માં લખનઉએ તેને ૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો.
૨૮ વર્ષનો આકાશ દીપ એજબૅસ્ટનમાં ૧૮૭ રનમાં ૧૦ વિકેટ લઈને ઇંગ્લૅન્ડની ધરતી પર બેસ્ટ ટેસ્ટ-પ્રદર્શન કરનાર ભારતીય બોલર બન્યો.
કોલોરેક્ટલ કૅન્સર છે આકાશ દીપની બહેનને
મોટી બહેનના જણાવ્યા અનુસાર તેને કોલોરેક્ટલ કે કોલોન કૅન્સર છે. કોલોરેક્ટલ કૅન્સર મોટા આંતરડાના કૅન્સર તરીકે ઓળખાય છે. અખંડ જ્યોતિ સિંહ કૅન્સરના ત્રીજા તબક્કામાં છે અને ડૉક્ટરના જણાવ્યા અનુસાર છ મહિના સુધી સારવાર ચાલશે.


