સંજુ ટેકી નામના યુટ્યુબરે મલયાલમ ફિલ્મનો સ્ટન્ટ રીક્રીએટ કર્યો હતો જેમાં ચાલતી કારમાં સ્વિમિંગ-પૂલ બનાવવામાં આવે છે.
યુટ્યુબરે ચાલતી કારમાં સ્વિમિંગ પૂલ બનાવ્યો
કેરલાના એક યુટ્યુબરે એક ફિલ્મથી પ્રેરાઈને સ્ટન્ટ કર્યો હતો જે તેને ભારે પડ્યો હતો. સંજુ ટેકી નામના યુટ્યુબરે મલયાલમ ફિલ્મનો સ્ટન્ટ રીક્રીએટ કર્યો હતો જેમાં ચાલતી કારમાં સ્વિમિંગ-પૂલ બનાવવામાં આવે છે. આ યુવકે તેના મિત્રો સાથે મળીને કારમાં તાડપત્રી પાથરીને એમાં પાણી ભર્યું હતું. આ વિડિયોને તેની યુટ્યુબ ચૅનલ પર મૂક્યો હતો જેને હજારો વ્યુઝ મળ્યા હતા.
વિડિયોમાં આ યુવાનો ટ્રાફિક વચ્ચે નારિયેળપાણી પીતાં-પીતાં પાણીથી ભરેલી કારમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. આ પાણી ડ્રાઇવર સીટ અને એન્જિનમાં ભરાઈ જતાં તેમણે કાર ઊભી રાખીને રસ્તા પર પાણીનો નિકાલ કર્યો હતો જેને કારણે ટ્રાફિક-જૅમ થઈ ગયો હતો. લોકોએ તેના પર કાર્યવાહીની માગણી કરી હતી. એ પછી મોટર વેહિકલ ડિપાર્ટમેન્ટે કારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કરીને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. આ યુવાનોને સજારૂપે એક અઠવાડિયા માટે ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજમાં સામાજિક સેવા કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

