યુટ્યુબના ફાઉન્ડર્સ સ્ટીવ ચેન, ચાડ હર્લી અને જાવેદ કરીમે યુટ્યુબને એક વિડિયો-ડેટિંગ સાઇટ તરીકે રજૂ કર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
યુટ્યુબ આજે ભલે એક લોકપ્રિય વિડિયો-શૅરિંગ પ્લૅટફૉર્મ હોય અને લોકો એનાથી સારી કમાણી કરતા હોય, પણ તમને જાણીને અચરજ થશે કે એ એક સમયે ડેટિંગ પ્લૅટફૉર્મ હતું. યુટ્યુબના ફાઉન્ડર્સ સ્ટીવ ચેન, ચાડ હર્લી અને જાવેદ કરીમે યુટ્યુબને એક વિડિયો-ડેટિંગ સાઇટ તરીકે રજૂ કર્યું હતું. તેમણે યુટ્યુબ એટલા માટે શરૂ કર્યું હતું જેથી લોકો વિડિયો અપલોડ કરીને પોતાના વિશે, તેમને કેવો પાર્ટનર જોઈએ છે એના વિશે જણાવે અને પછી ગમતી વ્યક્તિ સાથે ડેટિંગ કરે. જોકે આમાં સમસ્યા એ થઈ કે પ્લૅટફૉર્મ શરૂ તો થયું પણ લોકોએ વિડિયો અપલોડ ન કર્યા. ત્રણેય ફાઉન્ડરને ખબર પડી ગઈ કે લોકોને વિડિયો શૅર કરવા તો ગમે છે, પણ ડેટિંગ માટે નહીં. બસ, આ જ તક જોઈને તેમણે ૨૦૦૫માં યુટ્યુબને કૉમન વિડિયો-શૅરિંગ પ્લૅટફૉર્મ બનાવી નાખ્યું.
જાવેદ કરીમે એક વાર ઝૂની મુલાકાતનો વિડિયો શૅર કર્યો હતો, જે લોકોને પસંદ આવ્યો હતો. પછી તો યુટ્યુબ પર લોકો પર્સનલ વ્લૉગ, રમૂજી વિડિયો અને એજ્યુકેશનલ કન્ટેન્ટ પણ અપલોડ કરવા લાગ્યા. યુટ્યુબની લોકપ્રિયતા જોઈને ૨૦૦૬માં ગૂગલે એને ૧.૬૫ અબજ ડૉલરમાં હસ્તગત કર્યું હતું. આજે એ વિશ્વનું સૌથી મોટું વિડિયો-શૅરિંગ પ્લૅટફૉર્મ બની ગયું છે જેના પર અબજો લોકો નિયમિતપણે વિડિયો-કન્ટેન્ટ જુએ છે.

