ઘોડા પર બેસીને વાજતેગાજતે દુલ્હનના માંડવે વરઘોડો લઈ જવાની ઇચ્છા પૂરી કરવા માટે આ ભાઈએ ચાલતા વરઘોડાની સાથે ૨૦ કૂલર લગાવી દીધા હતા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
એક તરફ લગ્નની સીઝન છે અને બીજી તરફ ગરમી માઝા મૂકી રહી છે. મધ્ય પ્રદેશના દેવાસમાં એક લગ્નમાં વરપક્ષે તાપમાં પણ વરઘોડાની મજા માણવા માટે એક વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી. અંકિત ગુપ્તા નામના ભાઈનાં લગ્ન હતાં. ઘોડા પર બેસીને વાજતેગાજતે દુલ્હનના માંડવે વરઘોડો લઈ જવાની ઇચ્છા પૂરી કરવા માટે આ ભાઈએ ચાલતા વરઘોડાની સાથે ૨૦ કૂલર લગાવી દીધા હતા. જેમ પહેલાંના જમાનામાં રાતના વરઘોડામાં એક આખી ટીમ ટમટમતી લાઇટ ઉપાડીને વરઘોડા સાથે ચાલતી જોવા મળતી એવું જ કંઈક અંકિતભાઈએ કૂલરનું કરી નાખ્યું હતું. તેમણે જનરેટરની સાથે સંકળાયેલાં ૨૦ કૂલર રોડ પર ગોઠવી દીધાં. આ કૂલર ઊંચકનારા લોકો વરઘોડો જેમ-જેમ આગળ વધતો જાય એમ-એમ કૂલર પણ તેમની સાથે ફેરવતા. રોડ પર બેઉ તરફ કૂલરની લાઇન હતી અને વચ્ચે જાનૈયાઓ નાચતા-ગાતા હતા. એપ્રિલ-મે મહિનામાં ભારતમાં તાપમાન ૪૨થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ થઈ જતું હોવાથી હવે લગ્નોમાં આ જ ટ્રેન્ડ બની જાય તો નવાઈ નહીં.
