સોશ્યલ મીડિયા ઍક્સ પર એક જવાબપત્રનો સ્ક્રીનશૉટ શૅર થયો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
છેલ્લા થોડા સમયથી પેપરલીકના મામલે ચોતરફ હોબાળો મચી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પરીક્ષાઓ સાથે સંખળાયેલા રાઝને ઉકેલવાની ચર્ચાઓ કરતી જોવા મળે છે. એવામાં સોશ્યલ મીડિયાની એક પોસ્ટ જબરી વાઇરલ થઈ છે. સોશ્યલ મીડિયા ઍક્સ પર એક જવાબપત્રનો સ્ક્રીનશૉટ શૅર થયો છે. સવાલ પુછાયો છે કે ઉત્તર પ્રદેશ કોને કહેવાય? આ સવાલના જવાબમાં વિદ્યાર્થીએ મસ્ત જવાબ લખ્યો છે, ‘જે પ્રદેશમાં પરીક્ષા પહેલાં ઉત્તર મળી જાય એને ઉત્તર પ્રદેશ કહેવાય.’ આ જવાબ વાંચીને પ્રશ્નપત્ર તપાસનાર શિક્ષકે દસમાંથી દસ પૂરા માર્ક આપીને લખ્યું છે, ‘સન્માનલાયક હો બેટા.’


