મિડ-ડેના ફોટોગ્રાફર આશિષ રાજેને અવૉર્ડ આપીને નવાજવામાં આવ્યા
વરલીમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જૂન મહિનાના બફારામાં એક મજૂર સખત તડકામાં સિમેન્ટની પાઇપમાં બેસીને તેની તરસ છિપાવી રહ્યો હતો. આ ક્ષણને આશિષ રાજેએ અફલાતૂન રીતે કૅમેરામાં કેદ કરી લીધી હતી, જેના માટે તેમને સેકન્ડ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.
એક સારો માર્મિક ફોટો અનેક શબ્દોની ગરજ પૂરી કરી દે છે અને ઘટનાને જીવંત કરી દે છે એ વાતની પ્રતીતિ કરાવતા ફોટોગ્રાફ્સને ગઈ કાલે મુંબઈમાં વધાવવામાં આવ્યા હતા. મહેનતી મુંબઈગરાઓના સ્પિરિટને બિરદાવતા ફોટોની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં પસંદગી પામેલી તસવીરો ક્લિક કરનારા ફોટોગ્રાફર્સને સેન્ટર ઑફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન (CITU) દ્વારા નવાજવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
‘મિડ-ડે’ના ફોટોગ્રાફર આશિષ રાજેને આ સ્પર્ધામાં તેમના એક સ્પશ્યેલ ફોટો માટે બીજું ઇનામ મળ્યું હતું. પહેલું ઇનામ ફ્રીલાન્સ ફોટોગ્રાફર પ્રશાંત નકવેને અને ત્રીજું ઈનામ મુંબઈ સમાચારના ફોટોગ્રાફર અમેય ખરાડેને મળ્યું હતું. CITUની ૧૭મી મહારાષ્ટ્ર સ્ટેટ કૉન્ફરન્સ દરમ્યાન આ ફોટોગ્રાફર્સને અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા.


