વિયેટનામની દીકરીને પેરન્ટ્સે લગ્નમાં આપ્યું અનોખું દહેજ
વિયેટનામમાં મશહૂર સિવેટ પ્રજાતિની ૧૦૦ બિલાડી દહેજમાં મળી
દીકરીનાં લગ્ન થાય ત્યારે ભારતમાં જ નહીં, દુનિયાભરમાં પેરન્ટ્સ તેને કંઈક ને કંઈક શુભેચ્છા અને ભેટ આપે છે. જોકે વિયેટનામની બાવીસ વર્ષની એક કન્યા પરણી ત્યારે તેના પેરન્ટ્સે જે ભેટ આપી એ ગજબની છે. દીકરીને સોના-ચાંદી, રોકડ અને કંપનીના શૅર વગેરે તો આપ્યું જ, પણ સાથે વિયેટનામમાં મશહૂર સિવેટ પ્રજાતિની ૧૦૦ બિલાડી દહેજમાં મળી છે. આવી એક માદા બિલાડીની કિંમત લગભગ ૭૦૦ ડૉલર એટલે કે લગભગ ૬૦,૦૦૦ રૂપિયા છે. આ બિલાડીઓ વિયેટનામ અને ઇન્ડોનેશિયા જેવા એશિયન દેશોમાં બહુ ફેમસ અને દુર્લભ છે. કેમ કે આ એ જ બિલ્લીઓ છે જે દુનિયાની સૌથી મોંઘી ગણાતી લુવાક કૉફીનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે. સિવેટ બિલ્લી ખૂબ મૂલ્યવાન ગણાય છે, કેમ કે આ બિલાડીઓને કૉફીનાં ફળ ખવડાવવામાં આવે છે અને એ ફળ બિલ્લીના પાચનતંત્રમાંથી પસાર થઈને બીન્સ તરીકે બહાર નીકળે છે. તેના મળમાંથી નીકળતાં કૉફીનાં બીન્સમાં અત્યંત ઉચ્ચ પ્રકારની કૉફીની ફ્રૅગ્રન્સ જોવા મળે છે. એ કૉફી કૉપી લુઆકના નામે જાણીતી છે. આ બિલાડીઓનાં અંગો ચાઇનીઝ મેડિસિનમાં પણ વપરાય છે. પિતાએ દીકરીને હાઇ એન્ડ કૉફીનો બિઝનેસ શરૂ કરી શકાય એ માટે આવી મોંઘી બિલાડીઓ દહેજમાં આપી હતી. આ ૧૦૦ બિલાડીની કિંમત લગભગ ૬૦ લાખ રૂપિયા જેટલી છે.


