આ નખ સાથે પણ લ્યુભાઈને દીવાલ પર સુંદર ચિત્રો બનાવવાનો શોખ છે
લ્યુ કૉન્ગ હ્યુએન
વિયેટનામના લ્યુ કૉન્ગ હ્યુએન નામના ભાઈએ લગભગ ૩ દાયકાથી વધુ સમયથી નખ કાપ્યા નથી. હવે તેમના હાથની દસેય આંગળીઓના નખની કુલ લંબાઈ ૧૯ ફુટ છ ઇંચની થઈ ગઈ છે જે દુનિયાના કોઈ પણ પુરુષના હાથના સૌથી લાંબા નખ છે. આ લંબાઈ એક જિરાફની હાઇટ કરતાં પણ વધુ છે. તેમના નખ હવે હાથ પરથી લટકીને ગૂંચળું વળી ગયા છે છતાં કદી એને કાપવાનો વિચાર નથી આવ્યો. લ્યુ કૉન્ગના પિતા જાદુગર હતા. પિતાની ઇચ્છા હતી કે દીકરો પણ તેમની જેમ જાદુગર જ બને. જોકે લ્યુભાઈને ટીચર બનવું હતું. પિતાએ તેમની પાસેથી ટીચરની નોકરી
પરાણે છોડાવી દીધી એટલે તેમણે હાથચાલાકી ન થઈ શકે એ માટે નખ વધારવાનું શરૂ કરી દીધું. જેમ-જેમ નખ વધતા ગયા એમ-એમ એની સાથેનો લગાવ પણ વધી ગયો.
આ નખ સાથે પણ લ્યુભાઈને દીવાલ પર સુંદર ચિત્રો બનાવવાનો શોખ છે. નખ લાંબા હોવાથી બરાબર પીંછી પકડાતી ન હોવા છતાં તેઓ મહામહેનતે પીંછી પકડીને ચિત્રો દોરે છે. પેઇન્ટિંગ કરવાને કારણે દીવાલ પર લગાવવાના રંગો તેમના નખ પર પણ લાગેલા હોય છે. નખ લાંબા હોવાથી રોજબરોજના જીવનમાં એની પુષ્કળ કાળજી રાખવી પડે છે. ખૂબ કાળજી છતાં ક્યારેક નખ તૂટી જાય છે. એવા સમયે એ તૂટેલા ટુકડાને પણ તેમણે લિવિંગ રૂમની કૅબિનેટમાં સજાવીને રાખ્યા છે.


