એમ છતાં પોલીસ સામે પિતાએ કહ્યું કે કંઈ નથી થયું, આ તો ઘરનો મામલો છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયામાં સોમવારે એક વિડિયો ખૂબ વાઇરલ થયો હતો જેમાં એક ઘરમાં સોફા પર બેઠેલી બુઝુર્ગ વ્યક્તિને તેના જ દીકરા જેવો લાગતો છોકરો લાફા ઝીંકી રહ્યો હતો. લાફા મારીને, વાળ ખેંચીને અને ગળચી પકડીને ધમકાવી રહેલા આ બુઝુર્ગની પાસે જ તેમનાં પત્ની પણ બેઠેલાં હોય એવું દેખાય છે. એક દીકરો તેની માની હાજરીમાં પિતાને મારી રહ્યો છે એવું સ્પષ્ટ જોઈ શકાતું હોવાથી અને આ ઘટના નાગપુરની છે એવું એ વિડિયોમાં સ્પષ્ટ થતું હોવાથી નાગપુર પોલીસ દોડતી થઈ ગઈ હતી. કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવા છતાં પોલીસ આ ઘટના જ્યાં બનેલી એ ઘરે પહોંચી ગઈ હતી. પોલીસને જોઈને બઘવાઈ ગયેલા બુઝુર્ગે તો પહેલાં આવું કંઈ થયું જ નથી એ વાત રટ્યા કરી, જ્યારે તેમનાં પત્નીએ કહ્યું કે આ અમારો પરિવારનો મામલો છે, તમને અહીં કોણે મોકલ્યા? પરિવારની બદનામી ન થાય એ ડરે વયસ્ક મા-બાપે મોં સીવી લીધું હતું, પરંતુ પોલીસે દીકરાને બોલાવીને ઠમઠોર્યો છે કે ફરીથી પેરન્ટ્સ સાથે હિંસક પગલું લીધું તો ફરિયાદ થવાની રાહ નહીં જોવામાં આવે.


