મૃતદેહને નાગપુરની ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રક્ષાબંધનના દિવસે અમિત યાદવ નામનો બાઇકર તેની પત્ની સાથે નાગપુર-જબલપુર નૅશનલ હાઇવે પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્પીડમાં જઈ રહેલી ટ્રકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી એને કારણે બાઇક પર પાછળ બેઠેલી તેની પત્ની ફંગોળાઈને દૂર પડી. જોકે ટક્કર પછી ટ્રક-ડ્રાઇવરે સ્પીડ ઘટાડવાને બદલે પૂરપાટ ગતિએ ટ્રક ભગાવી એમાં ટ્રકનું પૈડું અમિતની પત્ની પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં અમિત અને તેની બાઇક બચી ગઈ હતી. ટક્કર પછી જો ટ્રકે સ્પીડ ઘટાડી હોત તો કદાચ તેની પત્ની આજે હયાત હોત. જોકે એવું ન થયું. રસ્તા પર જ અમિતની પત્નીએ દમ તોડી દીધો હતો. તેણે આસપાસના રાહદારીઓ અને વાહનચાલકો પાસેથી મદદની ભીખ માગી હતી પણ કોઈ મદદ કરવા આગળ નહોતું આવ્યું. વરસાદને કારણે વાહનોની અવરજવર પણ ઓછી હોવાથી તેને મદદ મળી શકી નહીં. આખરે તેણે પત્નીનું શબ પોતાની બાઇક પર રસ્સીથી બાંધી દીધું અને પોતાના ગામ જવા નીકળ્યો હતો. લગભગ ૮૦ કિલોમીટર દૂર સુધી તેણે આ રીતે સવારી કરી હતી. વચ્ચે એક ટોલનાકા પર તેને રોકવાની કોશિશ થઈ હતી, પરંતુ અમિત રોકાયો નહોતો. આખરે અમિત છેક મધ્ય પ્રદેશમાં આવેલા તેના કરણપુર ગામ સુધી પહોંચવા આવ્યો ત્યારે પોલીસની વૅન તેની પાછળ આવી પહોંચી હતી અને તેને અટકાવીને મૃતદેહને નાગપુરની ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.


