ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં બે બહેનોએ પતિઓની અદલાબદલી કરી નાખ્યાનો કિસ્સો બહાર આવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં બે બહેનોએ પતિઓની અદલાબદલી કરી નાખ્યાનો કિસ્સો બહાર આવ્યો છે. જોકે આ ઘટના અદલાબદલીના છ મહિના પછી જ્યારે એક બહેન તેના જીજાજી સાથે પોતાના પિયર ગઈ ત્યારે ઉજાગર થઈ હતી. પાલી ગામ પાસેના એક ખેડૂતે પોતાની બે દીકરીઓનાં લગ્ન ૧૦ વર્ષ પહેલાં બે અલગ-અલગ ગામોમાં રહેતા યુવકો સાથે કર્યાં હતાં. લગ્ન પછી બન્ને દીકરીઓનું લગ્નજીવન ખુશ હતું. જોકે ૬ મહિના પહેલાં નાની દીકરીને તેના જીજાજી એટલે કે મોટી બહેનના પતિ સાથે પ્રેમ થઈ ગયો. બન્ને વચ્ચે છૂપો પ્રેમ પાંગર્યો અને એક દિવસ બન્ને ભાગી ગયાં. સાળી-જીજાએ લગ્ન કરી લીધાં છે એ જાણ્યા પછી મોટી બહેન અને નાની બહેનના પતિએ પણ સાથે રહેવાનું શરૂ કરી દીધું. નવાઈની વાત એ છે કે એ પછી બન્ને બહેનોએ પતિની અદલાબદલી ઉપરાંત બાળકોની લેવડદેવડ પણ કરી લીધી. મોટી બહેને પોતાનાં ત્રણ સંતાનો નાની બહેનને આપી દીધાં અને નાની બહેનનાં બે સંતાનો પોતાના ઘરે લઈ આવી છે. જોકે આ બધા ગોટાળાની તેમના પિયરમાં ખબર જ પડવા દીધી નહીં. જ્યારે કોઈ પ્રસંગે નાની દીકરી તેના ઓરિજિનલ જીજાજી પણ હવેના પતિ સાથે કપલ બનીને ઘરે ગઈ ત્યારે તેનાં મા-બાપ હક્કા-બક્કા રહી ગયાં. તેમને જ્યારે ખબર પડી કે બન્ને બહેનોએ પતિઓની અદલાબદલી કરી લીધી છે ત્યારે તેમણે આ સંબંધને અનૈતિક ગણાવીને બન્નેને ઘરમાંથી કાઢી મૂકી.


