ઉત્તર પ્રદેશના હાપુડમાં એક યુવાન પોતાની ગર્લફ્રેન્ડને વશમાં કરવા માટે તાંત્રિકના કહેવાથી સ્મશાનમાંથી ખોપડી અને હાડકાં ચોરી લાવ્યો હતો. જોકે આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ જતાં પોલીસે તેને પકડી લીધો હતો.
પ્રેમિકા પર જાદુટોણા કરવા માટે પ્રેમીએ સ્મશાનમાંથી ખોપડી અને હાડકાં ચોર્યાં
ઉત્તર પ્રદેશના હાપુડમાં એક યુવાન પોતાની ગર્લફ્રેન્ડને વશમાં કરવા માટે તાંત્રિકના કહેવાથી સ્મશાનમાંથી ખોપડી અને હાડકાં ચોરી લાવ્યો હતો. જોકે આ ઘટના CCTV કૅમેરામાં કેદ થઈ જતાં પોલીસે તેને પકડી લીધો હતો. સ્મશાનમાં ૧૬ વર્ષના એક ટીનેજરના અંતિમ સંસ્કાર થયા હતા. તેના પરિવારજનો જેવા સ્મશાનઘાટ પરથી નીકળ્યા એટલે આરોપી યુવક તેના દોસ્ત અને એક તાંત્રિકની સાથે ત્યાં પહોંચ્યો અને ચિતા ઠરે એ પહેલાં જ એમાંથી હાડકાં અને ખોપડી ચોરી લીધાં. સ્મશાનના રખેવાળની નજર પડી એટલે તેણે આ ત્રણેયને રોકવાની કોશિશ કરી, પરંતુ સામાન લઈને ત્રણેય બાઇક પર ભાગી ગયા હતા. જોકે CCTV કૅમેરામાં તેમના ચહેરા આવી ગયા હોવાથી પોલીસને તેમને પકડવામાં કોઈ તકલીફ ન પડી. યુવકને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે આવું કામ કેમ કર્યું? તો તેનો જવાબ હતો કે તે ગર્લફ્રેન્ડને સંપૂર્ણપણે પોતાની કરવા માગતો હતો અને એ માટે તેણે તંત્ર-મંત્ર કરવાનું જરૂરી હતું. અવધેશ નામના તાંત્રિકે તેને આ રસ્તો સૂચવ્યો હતો. તાંત્રિક પાસે તંત્ર-મંત્રનાં સાધનોની સાથે લગભગ પચાસેક તસવીરો મળી હતી. કદાચ આ લોકો પાસે પણ તેણે ખોપડીઓ ચોરવાનું જ કામ કરાવ્યું હોવાની શંકા પોલીસને છે.
