રેલવે સ્ટાફનું માનવું છે કે સવાસાતની આસપાસ ત્યાંથી પસાર થતી એક ગુડ્સ ટ્રેનની સામે યુવકે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવી જોઈએ.
રાયબરેલી જિલ્લાના સલોન ગામમાં રહેતા યુવક
ઉત્તર પ્રદેશમાં ૩૦ વર્ષનો એક દુલ્હો પરણવા જતો હતો, પણ અચાનક તેનું મન બદલાયું અને તેણે કોઈએ કલ્પના પણ ન કરી હોય એવું પગલું ભરી લીધું. મૂળ આઝમગઢના રહેવાસી પરંતુ છેલ્લાં થોડાંક વર્ષોથી રાયબરેલી જિલ્લાના સલોન ગામમાં રહેતા યુવકનાં લગ્ન હતાં. પાંચ મહિના પહેલાં તેની જ મરજીથી લગ્ન નક્કી થયાં હતાં. શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે જ્યારે કારમાં તેની જાન સલોન ગામથી ઘાસી ગામ જઈ રહી હતી ત્યારે અધવચ્ચે ગૌરીગંજ બ્રિજ આવતાં કાર ધીમી પડી હતી. એ વખતે કોઈ સમજે એ પહેલાં જ દુલ્હો કારમાંથી ઊતરી ગયો અને ફાટક પાસેથી ધીમી પડેલી ટ્રેનમાં ચડી ગયો હતો. એ પછી બીજી તરફ તેને શોધવા માટે પરિવારજનોએ તેને ફોન પર ફોન કરવાના શરૂ કરી દીધા હતા. તેણે એ ફોન ઉપાડ્યા, પણ કંઈ વાત કરી નહોતી. છ વાગ્યે તેણે પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો અને સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ જનરલ રેલવે પોલીસને સમાચાર મળ્યા હતા કે ગૌરીગંજ પાસેના ટ્રૅક પર કોઈની લાશ પડી છે. એ લાશ આ દુલ્હાની જ હતી. રેલવે સ્ટાફનું માનવું છે કે સવાસાતની આસપાસ ત્યાંથી પસાર થતી એક ગુડ્સ ટ્રેનની સામે યુવકે પડતું મૂકીને આત્મહત્યા કરી હોવી જોઈએ.

