સૂતી વખતે નાનકડું બાળક મમ્મી અને પપ્પા વચ્ચે ફસાઈ ગયું હતું અને ગૂંગળાઈ જતાં તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના એક ગામમાં અત્યંત દુ:ખદ ઘટના ઘટી હતી. અહીં એક ખેડૂત પરિવારમાં ૨૩ દિવસ પહેલાં જ દીકરાનો જન્મ થયો હતો. ગયા રવિવારે રાતે મમ્મી-પપ્પા દરરોજની જેમ નાનકડા દીકરાને લઈને સૂઈ ગયાં હતાં. દીકરાને તેમણે બન્નેની વચ્ચે સૂવડાવ્યું હતું. સૂતી વખતે નાનકડું બાળક મમ્મી અને પપ્પા વચ્ચે ફસાઈ ગયું હતું અને ગૂંગળાઈ જતાં તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો.
રાતે લગભગ ૧૧ વાગ્યે મમ્મી જાગી ગઈ અને જોયું તો બાળક બિલકુલ હલચલ નહોતું કરી રહ્યું. ગભરાયેલી મમ્મીએ તરત જ તેના હસબન્ડને જગાડ્યો. બન્નેએ બાળકને હલાવવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ હિલચાલ જોવા મળી નહીં. એ પછી તાત્કાલિક બાળકને નજીકના સરકારી દવાખાનામાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરે બાળકને ચેક કરીને કહ્યું કે તે મૃત્યુ પામ્યું છે. મમ્મી તો તેના નવજાત શિશુના મૃત્યુના સમાચાર સાંભળીને હૉસ્પિટલમાં જ બેભાન થઈ ગઈ હતી અને બાકી પરિવારજનો પણ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા.


