હરિકલાની સાથે રહેલાં સંબંધી લક્ષ્મી થાપાએ જણાવ્યું કે ભારે ટ્રાફિકને કારણે ઑટો-રિક્ષા લગભગ ૨૦ મિનિટ સુધી લગભગ સ્થિર રહી હતી. લક્ષ્મીએ કહ્યું, "અમે હૉસ્પિટલથી થોડા જ અંતરે હતા ત્યારે તેમણે ઑટો-રિક્ષાની અંદર જ બાળકને જન્મ આપ્યો."
તસવીર: સોશિયલ મીડિયા)
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં ભારે ટ્રાફિક જામને કારણે ૩૦ વર્ષીય સગર્ભા મહિલાએ ઑટો-રિક્ષાની અંદર જ બાળકને જન્મ આપવો પડ્યો હતો. આ ઘટના મંગળવારે બપોરે બની હતી જ્યારે તેમને તબીબી સારવાર માટે સરકારી સંચાલિત સેન્ટ્રલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા.
અન્ય વાહન ન મળતાં ઑટોમાં નીકળ્યા
ADVERTISEMENT
કૅમ્પ નંબર ૩, સૅક્શન ૨૦ના રહેવાસી હરિકલા થાપાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ. નજીકમાં અન્ય કોઈ વાહન ઉપલબ્ધ ન હોવાથી, તેમનો પરિવાર તેમને ઑટો-રિક્ષામાં સેન્ટ્રલ હૉસ્પિટલ લઈ જવા નીકળ્યો. જોકે, ન્યૂ એરા વિસ્તારમાં સેવા સદન વિસ્તાર અને મયૂર હૉટેલ વચ્ચે તેમની રિક્ષા ભારે ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ.
૨૦ મિનિટ સુધી ટ્રાફિકમાં ફસાઈ રિક્ષા
હરિકલાની સાથે રહેલાં સંબંધી લક્ષ્મી થાપાએ જણાવ્યું કે ભારે ટ્રાફિકને કારણે ઑટો-રિક્ષા લગભગ ૨૦ મિનિટ સુધી લગભગ સ્થિર રહી હતી. લક્ષ્મીએ કહ્યું, "અમે હૉસ્પિટલથી થોડા જ અંતરે હતા ત્યારે તેમણે ઑટો-રિક્ષાની અંદર જ બાળકને જન્મ આપ્યો." સેન્ટ્રલ હૉસ્પિટલ પહોંચ્યા બાદ, ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફે તરત જ હરિકલા અને નવજાત શિશુની તપાસ કરી અને તેમને વધુ તબીબી સારવાર માટે દાખલ કર્યા. હૉસ્પિટલ પ્રશાસને પરિવારને જાણ કરી કે બાળક સંપૂર્ણ સ્વસ્થ છે.
શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન અંગે ઉઠ્યા સવાલો
આ ઘટનાએ ઉલ્હાસનગરમાં ટ્રાફિકની સતત સમસ્યા અને કટોકટીની આરોગ્ય સેવાઓ પર તેની અસરને ફરી એકવાર ઉજાગર કરી છે. વ્યસ્ત રસ્તાઓ પર થતો વિલંબ દર્દીઓ અને ઇમરજન્સી વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો કરે છે. કટોકટીની પ્રસૂતિ દરમિયાન દરેક મિનિટ મહત્ત્વપૂર્ણ હોવાથી, ટ્રાફિક જામ માતા અને નવજાત શિશુ બન્નેના જીવન માટે જોખમ ઊભું કરે છે.
ભરરસ્તે વીજળીનો શૉક લાગવાથી હજી એક મોત
ઉલ્હાસનગરમાં ઇલેક્ટ્રિક શૉકને કારણે ૨૬ વર્ષની યુવતીનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. ઉલ્હાસનગરના ઓ.ટી. સેક્શન વિસ્તારમાં ગણેશ ગંગા અપાર્ટમેન્ટ નજીક ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા માટે લગાવવામાં આવેલા પોલમાં ઇલેક્ટ્રિક લીકેજ હોવાના કારણે કરિશ્મા માધવાણી નામની યુવતીનું મૃત્યુ થયું હતું. શુક્રવારે બનેલી આ ઘટના બાદ કરિશ્માને નજીકની હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. જોકે શનિવારે મધરાત બાદ દોઢ વાગ્યે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ગુરુવારે જોગેશ્વરી-ઈસ્ટમાં ગૌરી-ગણેશવિસર્જન દરમ્યાન કૃત્રિમ તળાવમાં ઇલેક્ટ્રિક કરન્ટ દોડતો હોવાથી ૧૯ વર્ષના ટીનેજરનું મૃત્યુ તથા કાલાચૌકીમાં પાણી-કોલ્ડ ડ્રિંક્સના સ્ટૉલમાં ઇલેક્ટ્રિક લીકેજ હોવાને કારણે ૮ વર્ષની બાળકી સહિત બે જણનાં મૃત્યુની ઘટના બાદ ઇલેક્ટ્રિક શૉકને કારણે થયેલા મૃત્યુની આ ત્રીજી ઘટના સામે આવી છે. ઘટનાની વિગત મુજબ શુક્રવારે કરિશ્મા તેના ભાઈ મોહિત સાથે ઘરે જઈ રહી હતી ત્યારે તેનો પગ CCTV કૅમેરા માટે લગાવાયેલા પોલ સાથે ટકરાયો હતો અને દુર્ઘટના બની હતી. કરિશ્માના ભાઈ મોહિતે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કરિશ્માને અડક્યો એવો તેને પણ કરન્ટનો ઝાટકો લાગ્યો હતો. પછી ત્યાં હાજર લોકોની મદદથી કરિશ્માને બચાવીને નજીકના ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી. જોકે ડૉક્ટરે તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. દુર્ભાગ્યપણે શનિવારે મધરાત બાદ ડૉક્ટરોએ કરિશ્માને મૃત જાહેર કરી હતી.
