મધ્ય પ્રદેશના મુરૈનામાં સરકારી સ્કૂલના હેડમાસ્ટર અમરલાલ રાવત પોતે ભણાવવાને બદલે માત્ર ૪૫૦૦ રૂપિયામાં એક અયોગ્ય મહિલાને શિક્ષક તરીકે રાખતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
સરકાર પાસેથી ૬૫,૦૦૦ રૂપિયાનો પગાર લીધો અને ૪૫૦૦ રૂપિયામાં બીજી ટીચરને ભણાવવા મોકલી દીધી
મધ્ય પ્રદેશમાં સરકારી સ્કૂલોના શિક્ષણનું સ્તર સુધારવા માટે ગામડાંમાં ભણાવતા શિક્ષકો પર સરકાર ખૂબ પૈસા ખર્ચી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈ જુદી જ છે. મુરૈના જિલ્લામાં આવેલી એક સરકારી પ્રાથમિક સ્કૂલમાં એક એવો કિસ્સો બહાર આવ્યો જે શિક્ષણ-વ્યવસ્થા પર સવાલ ખડા કરે છે. સ્કૂલના હેડમાસ્ટર અમરલાલ રાવત સરકાર પાસેથી તો ૬૫,૦૦૦ રૂપિયાનો પગાર લેતા હતા, પરંતુ સ્કૂલમાં ભણાવવાનું કામ તેમણે કદી કર્યું જ નહોતું. અમરલાલે તેમને બદલે પોતાનું કામ કરવા માટે એક બહેનને અંગત રીતે હાયર કરી લીધેલાં. આ બહેનને ૪૫૦૦ રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. આ બહેન સ્કૂલના વિદ્યાર્થીઓને ભણાવવા માટે ક્વૉલિફાઇડ નથી.
