સૌથી પહેલાં તેના મૃત્યુ સમયના ચહેરા જેવો ચહેરો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
૩૨૦૦ વર્ષ પહેલાંનો ઇજિપ્તનો શક્તિશાળી રાજા આવો દેખાતો હતો, મમીના આધારે બનાવ્યો ચહેરો
ઇજિપ્તનો સૌથી શક્તિશાળી રાજા રેમેસિસ દ્વિતીય કેવો દેખાતો હતો એ જાણવું નવી વૈજ્ઞાનિક પદ્ધતિને કારણે શક્ય બન્યું છે. ઇજિપ્ત અને ઇંગ્લૅન્ડના વૈજ્ઞાનિકો તેની ખોપડીના થ્રીડી મૉડલના ઉપયોગ દ્વારા ૩૨૦૦ વર્ષ પહેલાં જન્મેલો આ રાજા કેવો દેખાતો હતો એ જાણી શક્યા છે. સૌથી પહેલાં તેના મૃત્યુ સમયના ચહેરા જેવો ચહેરો બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યાર બાદ ઘડિયાળના કાંટાને ૫૦ વર્ષ પાછળ ફેરવીને તેનો યુવાનીનો ચહેરો બનાવ્યો હતો. કૈરો યુનિવર્સિટીના સહર લીમે ખોપડીના થ્રીડી મૉડલનું નિર્માણ કર્યું હતું. આ ચહેરો મમીના ચહેરાના આધારે બનાવ્યો હતો, જે ચહેરો ઇજિપ્તની એક સુંદર વ્યક્તિનો હતો. લીવરપુલ જૉન મુર્સ યુનિવર્સિટીના ફેસ લૅબના ડિરેક્ટર કેરોલિન વિલ્કિન્સને સમગ્ર પ્રક્રિયા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે ખોપડીનું કમ્પ્યુટર ટોમોગ્રાફી મૉડલ લેવામાં આવે છે, જે ખોપડીને થ્રીડી આકાર આપે છે; જેને કમ્પ્યુટર સિસ્ટમમાં લઈ શકાય છે. કમ્પ્યુટરમાં શરીરરચનાનો ડેટાબેઝ છે, જેમાં ખોપડીને ફિટ કરવામાં આવે છે. દરેકની ખોપડી પ્રમાણે આકાર થોડા અલગ-અલગ હોય છે. રાજાના મમી પર ચહેરો મૂકવાથી એ માનવીય બનશે. પરિણામે વારસો પુનઃ સ્થાપિત થશે. રેમેસિસ દ્વિતીય એક મહાન યોદ્ધો હતો. તેણે કુલ ૬૬ વર્ષ સુધી ઇજિપ્ત પર શાસન કર્યું હતું.


